સુરત: સુરતમાંથી માનવતા પર કલંક લગાવતો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ઉમરવાડામાં બીજી દીકરી જન્મતા સાસરિયાઓએ વહુને ઝેર પિવડાવી દીધું છે. વહુને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પુણા પોલીસે આ મામલે પતિ,નણંદ,સાસુ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે. અગાઉ પણ વહુને માનસિક ટોર્ચર કરતા હોવાનો આરોપ પિયર પક્ષે લગાવ્યો છે.
પતિ અને નણંદ દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો
આ ઘટના સુરતના પુણા વિસ્તારમાં બની હતી જેમાં મહિલાને પહેલા ખોળે દીકરી હતી અને ફરી પણ દીકરીનો જ જન્મ થતા સાસરિયાઓનો પીત્તો સાતમાં આસમાને ગયો અને તેના પરિણામ સ્વરૂપ તેઓએ વહુને ઝેર પીવડાવી દીધું. ત્રણ વર્ષ પહેલા મહિલાના લગ્ન થયા હતા. મહત્વની વાત એ છે કે, પતિ અને નણંદ દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. પતિએ મોઢું દબાવી રાખ્યું અને નણંદે ઝેર પીવડાવ્યું હતું.
આરોપીને જેલ હવાલે કર્યો
પુણા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ.દેસાઈ અને તેમની ટીમ દ્વારા આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓને ઝડપી પાડીને જેલ હવાલે કરી દીધા છે. પોલીસે મહિલાનું નિવેદન પણ નોંધ્યું છે અને તાત્કાલિક ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથધરી છે. પોલીસ દ્વારા ભોગ બનનાર મહિલાના પિયરપક્ષના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી છે. આ દરમિયાન અગાઉ પણ મહિલાને તેનો પતિ માર મારતો હોવાની વાત સામે આવી છે.
ત્રણ દિવસ પહેલા ઘટી ઘટના
ત્રણ દિવસ પહેલા એટલે કે 17 જાન્યુઆરીના રોજ સવારે સાતેક વાગ્યા આસપાસ દીકરી ઊંધમાંથી ઉઠીને રડી રહી હતી, જેના કારણે પતિ તેના પર ગુસ્સે થઈ ગયો. તેથી પત્નીએ પતિને દીકરી પર ગુસ્સે ન થવા બાબતે કહેતા ઝગડો કરી પત્નીને માર માર્યો હતો. આ દરમિયાન નણંદ રોશન ત્યાં આવી ગઈ અને તેણે મહિલાનું ગળું દબાવી તમાચો મારી દીધો હતો.