ચોટીલામાં દુષ્કર્મનાં કેસમાં જેલવાસ ભોગવીને આવેલા યુવાનની પીડિતાનાં પરિવારે જાહેરમાં હત્યા કરી નાખી

ચોટીલા: ચોટીલામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચોટીલામાં પીપરાળી ગામે જૂના દુષ્કર્મ કેસમાં જેલવાસ ભોગવીને આવેલા યુવાનને પીડિતાનાં પરિવારજનોએ જાહેરમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ યુવાન ત્રણ મહિના પહેલા જ જેલવાસ ભોગવીને આવ્યો હતો. આ ઘટના સામે આવતા જ પોલીસ દોડતી થઈ ગઈ છે. આ મૃતક યુવાનનાં ભાઈ સહિત બે સંબંધીઓ પણ ઘાયલ થયા હતા.

યુવાનના માથાના ભાગે ધારીયાનો ઘા માર્યો

પ્રાપ્ત માહિતી પ્રમાણે ચોટીલાનાં પીપરાળી ગામે વિપુલ વિના સાકરીયા નામનો યુવાન ટ્રેકટર લઇને દીવાલનાં ચણતર કામ માટે જઇ રહ્યો હતો, તે સમયે આરોપી ભાવા બીજલ સાકરીયાએ તેની સાથે ઝઘડો કરીને તેને માથાના ભાગે ધારીયાનો ઘા મારી દીધો હતો, ત્યારબાદ યુવાન ત્યાં જ ઢળી પડયો હતો. જે અંગે તેમના ભાઇને જાણ થતા ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યાં એક મહિલા સહિત પાંચ આરોપીઓએ ધારિયું, તલવાર જેવા હથિયારોથી હુમલો કરતા બન્ને ભાઈઓ હરેશ સાકરીયા તથા મહેશ સાકરીયાને પણ ઇજા પહોંચી હતી. આ દરમિયાન ઢળી પડેલા વિપુલ સાકરીયાને ફરી આરોપી સુરેશ સાકરીયાએ તલવારનો ઘા પેટમાં ઝીંકીને હત્યા કરી નાખી હતી.

આરોપીઓ પોલીસના સકંજામાં

આ બનાવથી પીપરાળી ગામમાં સન્નાટો છવાઈ ગયો છે. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ અને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને પકડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં મોડી સાંજે ચાર આરોપી સકંજામાં આવી ગયા હોવાની માહિતી મળી રહી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!