કોલકાતા: કોલકાતાના આરજી કર રેપ-મર્ડર કેસમાં ચુકાદો આવી ગયો છે. ન્યાયાધીશે સંજય રોયને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત ન્યાયાધીશે તેના પર 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ગત વર્ષે 9 ઓગસ્ટના રોજ 32 વર્ષીય ટ્રેઈની મહિલા ડોક્ટરની દુષ્કર્મ બાદ હતયા કરવામાં આવી હતી. આ કારણે દેશભરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા. કોલકાતા પોલીસ પાસેથી કેસ સંભાળી લેનારી સીબીઆઈએ રોય માટે મૃત્યુદંડની માંગ કરી હતી. પરંતુ ચુકાદો આપતી વખતે ન્યાયાધીશ અનિર્બાન દાસે કહ્યું કે, ‘રેરેસ્ટ ઓફ ધી રેર’કેસ નથી. આ આધારે તેમણે આરોપી સંજય રોયને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે પીડિતાના પરિવારને 17 લાખ રૂપિયાનું વળતર આપવાનો પણ નિર્ણય લીધો છે.
સંજય રોય પોતાને નિર્દોષ ગણાવી રહ્યો
બીજી તરફ આરોપી સંજય રોય પોતાને નિર્દોષ ગણાવી રહ્યો છે. તેણે કોર્ટને કહ્યું કે, ‘મને કોઈ પણ કારણ વગર ફસાવવામાં આવી રહ્યો છે. મેં તમને પહેલા પણ કહ્યું હતું કે, હું હંમેશા રુદ્રાક્ષની ચેઈન પહેરું છું. જો મેં ગુનો કર્યો હોત, તો તે ક્રાઈમ સ્થળ પર જ તૂટી પડી હોત. મને બોલવાની તક પણ આપવામાં ન આવી. તે લોકોએ મને બળજબરી પૂર્વક પેપર પર સહી કરાવી. મને બોલવાની તક ન મળી. તમે પણ આ બધું જોયું છે સાહેબ. મેં તમને પહેલા પણ જણાવ્યું હતું.
આ ‘રેરેસ્ટ ઓફ ધી રેર’ કેસ નથી
સિયાલદહ કોર્ટના જજ અનિર્બાન દાસે સોમવારે બપોરે 2.45 કલાકે સજા સંભળાવતાં કહ્યું, આ ‘રેરેસ્ટ ઓફ ધી રેર’ કેસ નથી. મૃત્યુદંડ આપી શકાય નહીં. જસ્ટિસ દાસે પશ્ચિમ બંગાળ સરકારને પીડિત પરિવારને 17 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે, જોકે પરિવારે એને સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. બપોરે 12:30 વાગ્યે ચુકાદો આપતાં પહેલાં કોર્ટે દોષિત સંજય, સીબીઆઇ અને પીડિતાના પરિવારની વાતો સાંભળી હતી. સંજયને કહ્યું- તું કયા ગુનામાં દોષિત છે એ તને જણાવવામાં આવ્યું છે. કોર્ટે 18 જાન્યુઆરીએ સંજયને દોષિત જાહેર કર્યો હતો. ઘટનાના 164મા દિવસે 20 જાન્યુઆરીના રોજ સજા અંગે 160 પાનાંનો ચુકાદો આપવામાં આવ્યો હતો. સીબીઆઈ અને પીડિતાના પરિવારે ફાંસીની સજાની માગ કરી હતી.
ટ્રેઈની ડોક્ટરની રેપ બાદ હત્યા
8-9 ઓગસ્ટની રાત્રે આરજી કર હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટર યુવતી પર રેપ બાદ હત્યા કરવામાં આવી હતી. 9 ઓગસ્ટના રોજ સવારે સેમિનાર હોલમાં ડોક્ટરનો મૃતદેહ મળ્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે 10 ઓગસ્ટના રોજ સંજય રોય નામના સિવિક વોલન્ટિયરની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ કોલકાતા સહિત દેશભરમાં દેખાવો થયા હતા. બંગાળમાં 2 મહિનાથી વધુ સમયથી આરોગ્ય સેવાઓ ઠપ રહી હતી.