ગેમ હારી જતા જીવનનો અંત આણ્યો: ભુજમાં 17 વર્ષના કિશોરે ગેમ હારી જતા આપઘાત કર્યો

ભુજ: આજના આ આધુનિક યુગમાં સુવિધાઓની સાથે-સાથે સમસ્યાઓ પણ વધી છે ત્યારે હવે ભુજમાંથી માતા-પિતા લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ભુજમાં 17 વર્ષના કિશોરે ગેમ હારી જતા આપઘાત કરી લીધો છે. આજના બાળકોને ગેમની ખૂબ જ ખરાબ લત લાગી છે અને તેઓ રોજ અવનવી ગેમ રમતા હોય છે. જેમાં ઘણી ગેમ્સમાં વિવિધ પ્રકારના ટાસ્ક પુરા કરવાના હોય છે ત્યારે કેટલીક વાર ગેમ કે ટાસ્ક હારી જવાના દુ:ખમાં બાળકો નાસીપાસ થઈ જઈને ખોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે ભુજમાં 17 વર્ષના છોકરાના આપઘાતના કિસ્સાએ તમામને ચોંકાવી દીધા છે.

ઝેરી દવા પીને જિંદગીનો કરૂણ અંત આણ્યો

ભુજના મોખાણા ગામે મોબાઈલ ફોનમાં ગેમ હારી જતાં કિશોરે ઝેરી દવા પીને જિંદગીનો કરૂણ અંત આણ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે 17 વર્ષીય કિશોર કાર્તિક કાનજીભાઇ મેરીયાએ ગત 4 જાન્યુઆરીના રોજ નિંદામણ બાળવાની ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું 8મી જાન્યુઆરીના રોજ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

કિશોરનો મોબાઈલ કબજે કરી લેવાયો

પધ્ધર પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર એ.જી.પરમારે આ મામલે જણાવ્યું કે, હતભાગી કિશોર ઘરે મોબાઈલમાં કોઈ ગેમ રમતા તે હારી ગયો હતો. જેના આઘાતમાં તેણે આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. કિશોરનો મોબાઈલ કબજે કરી લેવામાં આવ્યો છે. આ કિશોર કઈ ગેમ રમતો હતો તે તપાસ દરમિયાન બહાર આવવા પામશે.

4 દિવસની સારવાર બાદ મોત

ભુજની જી. કે.જનરલ હોસ્પિટલમાં 4 દિવસ સુધી સારવાર ચાલ્યા બાદ 8 જાન્યુઆરીના આ કિશોરનું મોત નીપજ્યું હતું. હતભાગી કિશોરના મોબાઈલમાં ઘણી બધી ગેમ્સ છે જોકે કઈ ગેમમાં હારી જતા તેણે અંતિમ પગલું ભર્યું છે તે પોલીસની તપાસ બાદ સામે આવશે. મૃતકના પિતા ખેતીકામ કરે છે અને પોતાના પુત્રએ ગેમ હારી જતા કરેલા આપઘાતના કારણે તેઓ પોતે પણ આઘાતમાં છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!