અમદાવાદ: અમદાવાદ NCBએ આંતરરાષ્ટ્રિય ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કર્યો છે. NCBએ ત્રણ નાઈજિરિયન નાગરિકો સહિત 4ની ધરપકડ કરી છે. આ શખ્સો પાર્સલની હેરફેરની આડમાં ડ્રગ્સનો વેપલો કરતા હતા. આ શખ્સો વિવિધ બ્રાન્ડના મસાલાના પેકેટોમાં ડ્રગ્સની હેરફેર કરતા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે NCBને બાતમી મળી હતી કે, કુરિયર દ્વારા આ શખ્સો બે કિલો ક્રેટાઈમાની ડ્રગ્સ અમેરીકા મોકલવામાં આવવાના છે. આ બાતમીના આધારે આ શખ્સોની ધરપકડ કરીને કરોડો રૂપિયાનું ડ્રગ્સનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું.
અદનાન ફર્નિચર વાળાની ધરપકડ
અમદાવાદ NCBએ બાતમીના આધારે અદનાન ફર્નિચર વાળાની ધરપકડ કરી હતી. અદનાન એક સમયમાં પૂણેમાં રહેતો હતો પરંતુ બાદમાં અમેરિકા ચાલ્યો ગયો હતો. યુએસમાં ડ્રગ્સની હેરાફેરીના તેના ઉપર ત્રણ કેસ નોંધાયા હતા તેથી તેને ભારત પર મોકલી દેવામાં આવ્યો હતો. ભારત પરત ફર્યા બાદ તે ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યો હતો. આ દરમિયાન ગત વર્ષે NCB મુંબઈ દ્વારા તેના પર વધુ એક કેસ કરીને તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. જે કેસમાં તે પેરોલ ઉપર બહાર હતો. હંમેશા એજન્સીથી એક સ્ટેપ આગળ રહીને ડ્રગ્સની હેરાફેરી કરતો અને પછી પોતાનું ઠેકાણું બદની નાખતો હતો.
નાઈજીરીયન ગેંગના શખ્સો સાથે મળીને આંતરરાષ્ટ્રિય ડ્રગ્સનો વેપાર
8 તારીખે અદનાન ફર્નિચરવાલાની કર્ણાટકમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તો બીજી તરફ તપાસમાં સામે આવ્યું કે આ અદનાન નાઈજીરીયન ગેંગના શખ્સો સાથે મળીને આંતરરાષ્ટ્રિય ડ્રગ્સનો વેપાર કરતો હતો. 18 ડિસેમ્બરના રોજ દિલ્હીના મહેરૌલી વિસ્તારમાંથી ઈમેન્યુઅલ ઈફ, એકલેમે અહેમફુલા જોસેફ અને ઈમેન્યુએલ ઓસાજા સાથે ધરપકડ કરવામાં આવી હતી.
ગુજરાત મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સંયુક્ત ઓપરેશન
ગુજરાત મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સંયુક્ત ઓપરેશન કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સોની ધરપકડ કર્ણાટકના બેલ્લાહલ્લી વિસ્તારમાંથી કરવામાં આવી હતી. ક્રેટામાઈનની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મોટા પાયે માંગ રહેતી હોય છે.