નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે કુવૈતના સર્વોચ્ચ સન્માન ‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’થી સન્માનિત કરવામાં આવ્યા છે. કુવૈતના અમીર શેખ મેશલ અલ-અહમદ અલ-જાબેર અલ સબાહે પીએમ મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ધ ઓર્ડર ઓફ મુબારક ધ ગ્રેટ’થી સન્માનિત કર્યા છે. પીએમ મોદી હાલમાં કુવૈતના બે દિવસના પ્રવાસ પર છે.
પીએમ મોદીને આપવામાં આવેલ આ 20મું આંતરરાષ્ટ્રીય સન્માન
કોઈપણ દેશ દ્વારા પીએમ મોદીને આપવામાં આવેલ આ 20મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. ‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’ કુવૈતનો નાઈટહુડ ઓર્ડર છે. આ ઓર્ડર મિત્રતાના પ્રતીક તરીકે રાજ્યના વડાઓ અને વિદેશી વડાઓ તથા વિદેશી શાહી પરિવારોના સભ્યોને મિત્રતાના પ્રતીક તરીકે આપવામાં આવે છે. અગાઉ આ ઓર્ડર બિલ ક્લિન્ટન, પ્રિન્સ ચાર્લ્સ અને જ્યોર્જ બુશ જેવા વિદેશી નેતાઓને આપવામાં આવી ચૂક્યું છે.
PM મોદીને ગાર્ડ ઓફ ઓનર આપ્યો
વડાપ્રધાન રવિવારે કુવૈતના બયાન પેલેસ પહોંચ્યા હતા જ્યાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો હતો. કુવૈતના વડા પ્રધાન મહામહિમ શેખ અહેમદ અબ્દુલ્લા અલ-અહમદ અલ-સબાહે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
ભારત-કુવૈત સંબંધોને નવી ગતિ આપવા પર ધ્યાન કેન્દ્રિત
પીએમ મોદીએ આજે કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહ સાથે વિસ્તૃત વાતચીત કરી હતી. વાતચીતમાં ભારત-કુવૈત સંબંધોને નવી ગતિ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ખાસ કરીને વેપાર, રોકાણ અને ઉર્જા ક્ષેત્રે પરસ્પર રોકાણ અને વેપાર અંગે ચર્ચા થઈ હતી.
વડાપ્રધાન મોદી 43 વર્ષમાં ખાડી દેશના પ્રવાસે જનારા પહેલા ભારતીય વડાપ્રધાન
શનિવારે બે દિવસના પ્રવાસ પર કુવૈત પહોંચેલા વડાપ્રધાન મોદી 43 વર્ષમાં ખાડી દેશના પ્રવાસે જનારા પહેલા ભારતીય વડાપ્રધાન છે. કુવૈતના પ્રવાસ કરનારા અંતિમ ભારતીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા જેમણે 1981માં કુવૈતનો પ્રવાસ કર્યો હતો.
ભારત કુવૈતના ટોચના વેપારી ભાગીદારોમાંનું એક
ભારત કુવૈતના ટોચના વેપારી ભાગીદારોમાંનું એક છે. ભારતીય સમુદાય કુવૈતમાં સૌથી મોટો પ્રવાસી સમુદાય છે. ખાડી દેશ ભારતના ટોચના વ્યાપારિક ભાગીદારોમાંથી એક છે, જેનો દ્વિપક્ષીય વેપાર નાણાંકીય વર્ષ 2023-24માં 10.47 બિલિયન અમેરિકન ડોલરનો રહ્યો. કુવૈત ભારતને છઠ્ઠો સૌથી મોટો કાચા તેલની જરૂરિયાત પૂરી પાડતો દેશ છે, જે દેશની ઉર્જા જરૂરિયાતોના 3 ટકા ભાગને પૂર્ણ કરે છે. કુવૈતમાં ભારતીય નિકાસ પહેલીવાર 2 બિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચી ગઈ છે, જ્યારે ભારતમાં કુવૈત ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી દ્વારા 10 બિલિયન અમેરિકન ડોલરથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે.