અમદાવાદનાં પીરાણા ડમ્પિંગ સાઈડ બાબતે કોંગ્રેસે મોટો ખુલાસો કર્યો છે. AMCના વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે 100 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનાં ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે, 100 કરોડની ચૂકવણી કર્યાં છતાં કચરાના ઢગલાઓની સ્થિતિ યથાવત છે. વિપક્ષ નેતાએ કહ્યું કે, કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ કચરાનો નિકાલ થઇ શક્યો નથી.
કોંગ્રેસના નેતા શહેજાદ પઠાણે કરેલી પ્રેસ કોન્ફ્રન્સમાં જણાવ્યું હતુ કે, બીજેપીના રાજમાં ભ્રષ્ટાચાર રોકાવાનું નામ લઈ રહ્યું નથી. આ દરમિયાન તેમણે હાટકેશ્વર બ્રિજ અને ખારી નદીના કૌભાંડો વિશે પણ વાત કરી હતી. શહેજાહ પઠાણે જણાવ્યું કે, સૌથી શરમજનક બાબત તો તે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અમદાવાદ મ્યુનિસિપલમાં કચરાના નામે પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.
ઉલ્લેખનિય છે કે, અમદાવાદ જેવી મેઘાસીટીની વચ્ચોવચ આવેલા પીરાણા ડમ્પિંગ સાઇટના કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને સ્વાસ્થ્યને લઈને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારોમાં વસતા લોકોમાં સ્કિનથી લઈને અવનવા રોગો થતાં હોવાની પણ સમસ્યાઓ સામે આવી ચૂકી છે.
પરંતુ તે છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ ડમ્પિંગ સાઇટમાંથી માત્ર પૈસા કમાવવાના હેતુથી જ કામ કરતી હોય તેવું દેખાઈ રહ્યું છે. સ્વભાવિક બાબત છે કે, આ ડમ્પિંગ સાઇટને ત્યાંથી સંપૂર્ણ રીતે હટાવી લેવાનો વાયદો સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ હજું પણ પાછલા દસ વર્ષ સુધી કચરાનો ઢગલો હટે નહીં તેવી રીતે કામ કરવામાં આવતું હોવાનું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે.
કોંગ્રેસ નેતા શહેજાદ ખાને જણાવ્યું કે, AMCએ એક વર્ષમાં 25 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ કોન્ટ્રાક્ટરોને આપી હોવા છતાં એકદમ નજીવું કામ થયું છે. પાછલા ચાર વર્ષમાં 100 કરોડ રૂપિયા ચૂકવ્યા છતાં સ્થિતિ જેસી થી વૈસીનું ચિત્ર દેખાઇ રહ્યું છે. આમ ભારતીય જનતા પાર્ટીને સામાન્ય લોકોના સ્વાસ્થ્ય અંગેની કોઈ જ ચિંતા નહોય તેવું દેખાઈ રહ્યું છે. તો બીજી તરફ એએમસી દ્વારા આંખ બંધ કરીને કોન્ટ્રાક્ટરોના ભરવામાં આવી રહેલા ખિસ્સાઓને પણ નજર અંદાજ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.
પીરાણા ડમ્પિંગ સાઇડના મુદ્દા પર સત્તામાં બિરાજમાન બીજેપીની સાથે-સાથે AMCની કામગીરી ઉપર પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે. કેમ કે આ ભ્રષ્ટાચારથી જનતાના પૈસાનું વેડફાડ થવાની સાથે-સાથે તેમના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે.