અમદાવાદ: ગુજરાતમાં ચકચાર મચાવનાર અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપીની ધરપકડ કરી લીધી છે. ક્રાઈમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલનાં ડિરેક્ટર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ કરી છે. આ મામલે અત્યાર સુધીમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી કાર્તિક પટેલ હજુ ફરાર છે. કાર્તિક પટેલ સિવાય તમામ આરોપીઓ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ખ્યાતિ કાંડનો આરોપી કાર્તિક પટેલ વિદેશમાં હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રાજશ્રી કોઠારીની પુછ-પરછમાં વધુ ખુલાસા થશે. ફરાર આરોપી કાર્તિક પટેલને પણ પકડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
રાજશ્રી કોઠારી કરી હતી આગોતરા જામીનની અરજી
થોડા દિવસ પહેલા આરોપી રાજશ્રી કોઠારીએ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. હોસ્પિટલની ઘટનામાં તેમની કોઈ ભૂમિકા ન હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આગોતરા જામીન મળે તો તપાસમાં પૂર્ણ સહકાર આપવાની કોર્ટને ખાતરી આપી હતી. જોકે, સરકાર તરફથી જામીન અરજીનો વિરોધ કરાયો હતો. રાજશ્રી કોઠારી ઉપર ત્રણ ફરિયાદ નોંધવામાં આવી છે. ત્રણેય કેસમાં આગોતરા જામીનની માગ કરવામાં આવી હતી.
PMJAY યોજનાનો દુરુપયોગ
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પોલીસ ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ખ્યાતિ મલ્ટીસ્પેશયાલિસ્ટ હોસ્પિટલ સાથે જોડાયેલા આરોપીઓએ PMJAY યોજનાનો દુરુપયોગ કરી આર્થિક લાભ મેળવવા માટે દર્દીઓને ખોટા દબાણમાં લાવીને તેની સર્જરી કરી છે. નોંધનીય છે કે, હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પના નામે 19 વ્યક્તિઓને અમદાવાદ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બસમાં લાવવામાં આવ્યા હતા. જેમાં 7 દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. તેમાંથી બે દર્દીઓના મોત થઈ ગયા હતા. 2 દર્દીના મોત બાદ તેમના પરિવારજનો દ્વારા હોબાળો કરાયા બાદ આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ મામલે તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ છે. માત્ર આર્થિક ફાયદા માટે દર્દીને 40% બ્લોકેજ હોય તેને 80% રિપોર્ટમાં દર્શાવીને બાયપાસ માટે પ્રેશર કરવામાં આવતું હોવાની હકીકતો સામે આવી છે.