આણંદ: આણંદમાં બોરસદ ચોકડી પાસે ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. દબાણ રૂપ મંદિરને હટાવવા પહોંચેલા તંત્ર આને સ્થાનિકો વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું. સ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે, પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
દબાણોને હટાવવા માટે બુલડોઝર ચલાવવામાં આવ્યું
બોરસદ ચોકડી વિસ્તારમાં આજે વહેલી સવારથી જ તંત્ર દ્વારા મેગા ડીમોલેશન કરાયું હતું. ઝૂપડપટ્ટી વિસ્તારમાં 10થી વધુ મંદિરો તથા 300થી વધુ નાના-મોટા દબાણો આવેલા છે. આ તમામ દબાણોને હટાવવા માટે બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. જેના કારણે સ્થાનિકો રોષે ભરાયા હતા. શરૂઆતમાં બોલાચારી થઈ હતી ત્યારબાદ સ્થાનિકો દ્વારા તંત્ર પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો. પથ્થર મારો કરવાના કારણે સ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી. પોલીસે ભીડને કાબુમાં લેવા માટે અને તોફાની તત્વોની અટકાયત કરવા માટે બળ પ્રયોગ કરવો પડ્યો હતો. પથ્થરમારો અને લાઠી ચાર્જના કારણે થોડા સમય માટે સ્થિતિ તંગદિલી ભરી બની ગઈ હતી.
પોલીસે લાઠીચાર્જ કરીને પથ્થરમારો કરતા લોકોને ભગાડ્યા
બોરસદ ચોકડી નજીક કૈલાસભૂમિ પાસે આવેલા 50 વર્ષ જૂના દબાણો દૂર કરવા માટે પાલિકા દ્વારા અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી દરમિયાન સ્થાનિકોએ પથ્થરમારો કર્યો હતો. મંદિર તોડવાની શરૂઆત થતા જ લોકો ઉશ્કેરાયા હતા અને દબાણ હટાવવા પહોંચેલી ટીમ પર પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કરીને પથ્થરમારો કરતા લોકોને ભગાડ્યા હતા.