અમદાવાદઃ ભોળા માણસોને ભોળવીને 6000 કરોડ રૂપિયાનું સામ્રાજ્ય ઊભુ કરના બીઝેડ ગ્રૂપ અંગે મોટો ઘટસ્ફોટ થયો છે. ભૂપેન્દ્ર સિંહ ઝાલાએ પોલીસ પકડથી બચવા માટે પોતાના એડવોકેટ મારફત અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે. આ અરજીમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેના નામે 18થી વધુ કોલેજ ચાલી રહી છે. કોલેજ સિવાય પણ અનેક મિલકતોનો માલિક છે. પોતાને સેવાભાવી આગેવાન ગણાવી રજૂઆત કરતાં કહ્યું છે કે પોલીસે માત્ર ને માત્ર બદદાનત રાખીને તેની સામે ફરિયાદ દાખલ કરી છે. આ મામલે આવતીકાલે વધુ સુનાવણી હાથ ધરાશે.
ઉલ્લેખનીય છે કે CID ક્રાઈમે આ ફરિયાદ અંતર્ગત ગાઉ 07 આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ તમામ આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તે તમામ અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. નોંધનીય છે કે BZ ગ્રૂપ દ્વારા 18 ટકા વ્યાજ સહિતની લાલચ આપી લોકો પાસેથી 6000 કરોડ રૂપિયા ઉઘરાવ્યા છે. આ આરોપીઓ પૈકી મયુર દરજીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. જેની ઉપર આગામી સમયમાં સુનવણી હાથ ધરાશે.
અગાઉ લોકોને ઊંચા વ્યાજની લાલચ આપી 6000 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવાના કેસમાં CID ક્રાઇમે મયૂર દરજી, વિશાલસિંહ ઝાલા, દિલીપ સોલંકી, આશીક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ અને રણવીરસિંહ ચૌહાણની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. એવી ચર્ચા ચાલી રહી હતી કે ભુપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી ગયેલ છે, ત્યારે હવે આગોતરા જામીન અરજી ઉપર સરકાર પક્ષની દલીલ રસપ્રદ રહેશે.