- 3 તાલુકાની બનાસકાંઠામાં રહેવાની માંગ, વાવ-થરાદમાં સમાવાતા વિરોધ શરુ, ઉગ્ર આંદોલનની ચિમકી
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. વિભાજન બાદ ધાનેરા-કાંકરેજ અને દિયોદરનો વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવતા આ તાલુકાના રહેવાસીઓએ બનાસકાંઠા જિલ્લામાં જ રહેવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે. શિહોરીમાં દુકાનદારોએ દુકાનો બંધ રાખી સજ્જડ બંધ પાળ્યો છે. વિભાજનનો વિવાદ વકરતો જાય છે, લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને આંદોલનની ચિમકી પણ ઉચારી છે.
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતા વિરોધના વંટોળ જોવા મળી રહ્યા છે. આજે દિયોદર શહેરમાં સ્વયંભૂ બંધ પળાયો છે. દિયોદરના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે. મહત્ત્વનું છે કે, વર્ષ 2018થી જ દિયોદરને જિલ્લો બનાવા માટે માંગ કરાઈ રહી હતી, ત્યારે દિયોદરને જિલ્લો જાહેર ન કરતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, સરકાર થરાદના બદલે દિયોદરને જિલ્લો જાહેર નહીં કરે તો આવનાર સમયમાં વિરોધ કરવાની પણ સ્થાનિકો દ્વારા ચીમકી ઉચારવામાં આવી છે.
કાંકરેજ વિસ્તારથી થરાદ 90 કિલોમીટર થતા અહીંના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે પાલનપુર અહીંથી 60 કિલોમીટર જ્યારે પાટણ 35 કિલોમીટર થાય છે. કાંકરેજ વિસ્તારને પાટણમાં લેવામાં આવે અથવા તો બનાસકાંઠામાં જ રાખવામાં આવે તેવી અહીંના લોકોની માંગ છે. થરાદ જિલ્લામાં કાંકરેજનો સમાવેશ થાય તો અહીંના ખેડૂતો અને વેપારીઓના કામકાજ અટવાય તેવી સ્થિતિ છે.
કાંકરેજથી પાલનપુર જવામાં સીધો રસ્તો પડે છે જ્યારે થરાદ જવા માટે અહીંથી દિયોદર થઈ ફરીને જવામાં તકલીફો પડશે. અને નવો જિલ્લો બનતા જ અહીંના તમામ સરકારી કામકાજ અટવાઈ જશે. ત્યારે આ પરેશાનીને લઇ આજે કાંકરેજ વિસ્તારના લોકો શિહોરી ખાતે એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલ સહિતના અગ્રણીઓએ પણ તેમના તાલુકાને બનાસકાંઠામાં જ રાખવાની માગ કરી છે. એટલું જ નહીં, સરકાર આ નિર્ણય પાછો નહીં ખેંચે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલે કહ્યું કે, ધાનેરા તાલુકાના લોકોને વાવ-થરાદ નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે. ધાનેરાવાસીઓ માટે થરાદ અનુકૂળ વિસ્તાર નથી. જો ભવિષ્યમાં લોકો સરકારના આ નિર્ણયના વિરોધમાં આંદોલન કરશે તો કોંગ્રેસ તેમની સાથે ઊભી રહેશે.
વાવ-થરાદમાં આઠ તાલુકાનો સમાવેશ
બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકા છે. વિભાજન બાદ નવા રચાનારા વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ 8 તાલુકા તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે.
બનાસકાંઠામાં આ 6 તાલુકાનો સમાવેશ
બનાસકાંઠા જિલ્લામાં બાકીના 6 તાલુકા પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ 6 તાલુકા તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો સમાવેશ થશે.