અમદાવાદ: અમદાવાદમાં હવે બદમાશો બેખોફ બની ગયા છે. અમદાવાદમાં ઘુમા વિસ્તારમાં આવેલી સનસાઈન બિલ્ડીંગની કન્સ્ટ્રકશન સાઈડ પર રવિવારે સાંજે એક યુવતીની છેડતી કરવામાં આવી હતી. આ મામલે યુવતીના મંગેતરે દરમિયાનગીરી કરતા આરોપીઓએ તેને માર માર્યો હતો. ત્યારબાદ આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. આ કેસની તપાસ કરવા માટે ઘટના સ્થળ પર પહોંચેલા પોલીસ કર્મચારીને પણ ગત રાત્રે આરોપીઓએ ટોળા સાથે મળીને જાનથી મારી નાખવાની ધમકી આપીને જીવલેણ હુમલો કર્યો હતો. આ અંગે બોપલ પોલીસે 16 જેટલા હુમલાખોરોને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની સમગ્ર ઘટના એવી છે કે, અમદાવાદના ઘુમામાં આવેલી સ્વર્ણીમ સનસાઈન નામની સાઈટ પર રવિવારે સાંજે બે લોકોએ એક મહિલાની છેડતી કરી હતી. જેથી યુવતીના મંગેતરે આરોપીઓને ઠપકો આપ્યો હતો. તેમણે ઠપકો આપતા આરોપીઓએ તેને મારીને ઓરડીમાં પૂરી દીધો હતો.
પોલીસની ટીમ પર જીવલેણ હુમલો
મંગેતરનો મિત્ર પ્રવિણ પટેલ તેને છોડાવવા ગયો તો આ આરોપીઓએ તેને પણ માથામાં પાઈપ મારીને ઈજા પહોંચાડી હતી. આ બનાવની તપાસ માટે બોપલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ ચાવડા ફરિયાદી પ્રવિણને લઈને સાઈટ પર ગયા હતા. જ્યાં સાઈટ સુપરવાઈઝર દિનેશ રોત, અનિલ અને નિલેશ પારઘી સહિતના લોકોએ વિક્રમ સિંહ અને પ્રવિણને ઘેરીને તેમના પર હુમલો કર્યો હતો. આ દરમિયાન તેઓએ કહ્યું કે, આજે પોલીસને પણ છોડવાના નથી. અહીંયા આવીને તેઓ અમને પકડે તેના કરતાં તેમને જ પતાવી દઈએ. બાદમાં આ આરોપીઓએ પોલીસ પર પાઈપ, ધોખાથી હુમલો કર્યો હતો. આ દરમિયાન ટોળામાંથી કોઈએ મોબાઈલ પણ લૂંટી લીધો હતો.
16 જેટલા હુમરાખોરોને ઝડપી પાડ્યા
આ ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસ સ્ટેશનના પીઆઇ બીટી ગોહિલ સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને દિનેશ રોત સહિતના 16 જેટલા હુમરાખોરોને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.