નવી દિલ્હી: આજે વહેલી સવારમાં દેશના ઘણા રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુપી, બિહારથી લઈને દિલ્હી સુધી લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. આ ભૂકંપનું કેન્દ્ર નેપાળ બોર્ડર નજીક તિબેટ હતું. નેપાળમાં આ ભૂકંપની તીવ્રતા 7.1 આંકવામાં આવી છે.
15 મિનિટ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા
પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં સવારે 6:37 વાગ્યે લગભગ 15 મિનિટ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત જલપાઈગુડીમાં સવારે 6:35 વાગ્યે અને તેના થોડા સમય બાદ કૂચ બિહારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હજુ સુધી કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર નથી આવ્યા. અધિકારીઓએ લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. બિહારની રાજધાની પટના ઉપરાંત અન્ય કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. દિલ્હી-NCR અને યુપીમાં પણ આ ભૂકંપના આંચકા અનુભવાયા છે.
બિહારમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1
બિહારમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 આંકવામાં આવી હતી. સવારે 6:40 વાગ્યે સમસ્તીપુર, મોતિહારી સહિત અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે અહીં લગભગ 5 સેકન્ડ સુધી ધરા ધ્રુજતી રહી હતી. ભૂકંપ એટલો જોરદાર હતો કે લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા.
નેપાળ સરકારે ભૂકંપની પુષ્ટિ કરી
નેપાળ સરકારે એ વાતની પુષ્ટિ કરી છે કે આજે સવારે નેપાળમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર તિબેટમાં નેપાળ-ચીન સરહદ પર હતું. નેપાળ સરકારના ભૂસ્તર વિભાગના જણાવ્યા પ્રમાણે તે વિસ્તારમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી હતી. સવારે 6:35 વાગ્યે આવેલા ભૂકંપથી નેપાળના મોટાભાગના વિસ્તારો હચમચી ગયા હતા.