સુરત: રાજ્યમાં સતત આત્મહત્યાના બનાવ બની રહ્યા છે. ત્યારે હવે સુરતમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ડિંડોલીમાં ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આત્મ હત્યા કરી લીધી છે. સુરતના નવાગામ ડિંડોલીમાં મૂળ મહારાષ્ટ્રના એક પરિવારના 13 વર્ષના દીકરાને માતાએ ભણવા બાબતે ઠપકો આપ્યો હતો, જેનું માઠું લાગતાં દીકરાએ ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.
વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો
સુરતના નવાગામ ડિંડોલી ખાતે મૂળ મહારાષ્ટ્રના રોહિદાસ પાટીલ મજૂરીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પત્ની આંગણવાડીમાં કોન્ટ્રેક્ટર વર્કર તરીકે કામ કરે છે. રોહિદાસ પાટીલનો દીકરો ડિંડોલીની સરકારી શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરતો હતો, જેણે ગઈકાલે સોમવારે ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધી હતો. જેની પરિવારને જાણ થતાં દીકરાને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસે તપાસ હાથ ધરી
હવે વ્હાલસોયા દીકરાના મોતના કારણે પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે. બીજી તરફ બાળકે કયા કારણોસર આપઘાત કર્યો તેને લઈને ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી છે.