અમદાવાદ: અંધેર નગરી અને ગંડુ રજા જેવો ઘાટ સર્જાયો છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના ICU વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દી પાસે પહોંચીને એક ભૂવો વિધિ કરી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલની સુરક્ષા માટે સિક્યોરિટી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં આ ભૂવો ICU સુધી પહોંચી જતા હવે સુરક્ષા સામે સવાલ ઉઠી રહ્યા છે. હોસ્પિટલમાં જ્યાં ICUમાં ભૂવો પહોંચી ગયો અને અગરબત્તી લઈ તંત્ર-મંત્ર મુજબ વિધિ પણ કરી હદ તો ત્યારે થાય છે કે ICUમાં જ્યારે ભૂવો પહોચ્યો ત્યારે ડોકટરો જાણે કે આંધળા બની ગયા હોય તેમ તેને રોક્યો પણ નહિ અને નજર સામે આ ખેલ ચાલતો રહ્યો અને હવે સત્તાધીશો કહી રહ્યા છે કે તપાસ થશે. અરે ભાઈ તપાસ તો તમારી કામગીરીની થવી જોઈએ કે આખરે તમારો સ્ટાફ આ હદે બેદરકારી દાખવી તો જવાબદાર કોણ ?
ભૂવો તાંત્રિક વિધિ કરીને ફરાર થઈ ગયો ત્યારે હવે તંત્ર જાગ્યું
સોશિયલ મીડિયામાં વારલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ભૂવો અમદાવાદની સિવિલ હોસ્પિટલના ICUમાં પહોંચી ત્યાં સારવાર હેઠળ રહેલા દર્દીની તાંત્રિક વિધિ કરી રહ્યો છે. હોસ્પિટલમાં સઘન સિક્યોરિટી વચ્ચે ભુવો ICUમાં કેવી રીતે પહોંચ્યો એ એક મોટો સવાલ છે. બીજી તરફ ભૂવો તાંત્રિક વિધિ કરીને ફરાર થઈ ગયો ત્યારે હવે તંત્ર જાગ્યું છે.
સિવિલ હોસ્પિટલની સુરક્ષા સામે સવાલ
આ વીડિયો વાયરલ થયા બાદ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે, એશિયાની સૌથી મોટી અને સુરક્ષિત હોસ્પિટલનો દાવો કરતી સિવિલ હોસ્પિટિલના ICU વોર્ડ સુધી આ ભૂવાને પ્રવેશ આપવામાં આવ્યો. બીજી તરફ હોસ્પિટલની અંદર ફોટો અને વીડિયો લેવા પર મનાઈ છે, ત્યારે આ ભૂવાએ ગેટથી લઈને ICU સુધી જતાં રસ્તા પર વીડિયો ઉતારીને રીલ બનાવી છે. એટલું જ નહીં દર્દીના બાજુમાં ઊભા રહીને પણ ભૂવાએ રીલ બનાવી છે. તેથી સિવિલ હોસ્પિટલની સુરક્ષા સામે ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે.
હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટની પ્રતિક્રિયા
હવે આ સમગ્ર મામલે હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રાકેશ જોષીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરતા ભૂવો દર્દીના સગા સંબંધી બનીને હોસ્પિટલમાં ગયો હોવાનું માલુમ પડે છે. દર્દીના સગાને જવા માટે હોસ્પિટલમાંથી પાસ આપવામાં આવે છે તેનો ઉપયોગ કરીને ભૂવો દર્દી સુધી પહોચ્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ICUમાં દાખલ દર્દીની સંપૂર્ણ રીતે સિક્યોરિટી અને ઈન્ફેક્શન ન લાગે તે પ્રમાણે કર્ટેન્સ અને ગોપનીયતા રાખવામાં આવે છે. તેનો દુરુપયોગ કરીને આ વ્યક્તિ દ્વારા વીડિયો બનાવવામાં આવ્યો છે.