હવે રાજકોટમાં પણ BZ જેવું કૌભાંડ: બ્લોકઆરા કંપનીએ 300 કરોડનું ફૂલેકું ફેરવ્યું

રાજકોટ: રાજ્યમાંથી વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. સાબરકાંઠા બાદ હવે રાજકોટમાંથી પણ BZ જેવું જ કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટમાં બ્લોકઆરા કંપનીનું 300 કરોડનું પોન્ઝી કૌભાંડ સામે આવ્યું છે. આ કંપનીમાં 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. રાજકોટમાં બ્લોકઆરા કંપની દ્વારા 4.25 લાખના રોકાણ સામે રોજ 4 હજારનું વળતર આપવાની રોકાણકારોને લાલચ આપવામાં આવી હતી. આ ક્રિપ્ટો કરન્સીનો ભાવ ભવિષ્યમાં 300 ડોલર સુધી પહોંચી જશે અને કરોડો રૂપિયાનો નફો મળશે તેવી લાલચ આપી હતી. જેમાં રાજકોટના રોકાણકારોએ લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું. જોકે, હવે આ સંચાલકો કંપનીને તાળા મારીને ફરાર થઈ ગયા છે. આ કૌભાંડમાં ભોગ બનનાર રાજકોટના મુલતાની મોહસીન રસીદભાઈ નામના અરજદારે પોલીસ કમિશ્નરમાં અરજી કરી છે. આ સાથે સુરતમાં આ મામલે ગુનો નોંધાયો છે.

આરોપીઓ ફરાર થઈ ગયા

રાજ્યભરમાં રોકાણકારોને રૂ. 4.25 લાખનું રોકાણ કરી તેની સામે દરરોજના 4000 રૂપિયાના વળતરની લાલચ આપી બ્લોક ઓરા કંપની દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. કંપનીના ફાઉન્ડર અને ભાગીદારોએ ટી.એ.બી.સી. નામની ક્રિપ્ટો કરન્સી લોન્ચ કરી હતી. છેલ્લા બે વર્ષમાં 300 કરોડ રૂપિયા ઉઘરાવીને પછી આરોપીઓ ફરાર થઈ ગયા છે. આ મામલે રાજકોટના રોકાણકારો પોલીસ કમિશ્નરને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. જેમાં બ્લોકઆરા કંપનીના ફાઉન્ડર અંકલેશ્વરના ફિરોઝ દિલાવર મુલતાણી, તેના ભાગીદાર નિતિન જગત્યાની, સૌરાષ્ટ્રના મુળ લીંબડીના અમિત મનુભાઈ મુલતાણી, સૌરાષ્ટ્રના માર્કેટિંગ હેડ અઝરુદીન સતાક મુલતાણી અને ગુજરાતના હેડ મક્સુદ સૈયદનું નામ આપ્યું છે.

કેવી રીતે કૌભાંડ આચર્યું ?

બ્લોકઆરા કંપનીના સંચાલકોએ આશરે બે વર્ષ સુધી રોકાણકારોને કોઈ વળતર ન આપતા આ કંપનીના ફાઉન્ડર ફિરોઝ તેમજ બાગીદાર નિતિન તથા સૌરાષ્ટ્રના હેડ અમિત અને અઝરૂદિન તેમજ મક્સુદનો સંપર્ક કર્યો હતો. ત્યારે તે લોકોએ ટુંક સમયમાં જ આ કરન્સી કોઈન રૂપે લોન્ચ થશે અને વળતર મળશે તેવી બાહેંધરી પણ આપી હતી. જો કે રોકાણકારોએ પોતે રોકેલી રકમ ઉપડી શકતા ન હતા અને સંચાલકોએ હાથ ઊંચા કરી દીધા હતા.

બીજી તરફ રાજકોટના 40 જેટલા રોકાણકારોએ તપાસ કરતા આ ટોળકી ગુજરાતમાં 8000 જેટલા રોકાણકારોને ફસાવીને રૂ.300 કરોડ ઉઘરાવીને ફરાર થઈ ગઈ હોવાની માહિતી મળી હતી. આરોપીઓ વિરુદ્ધ સુરત પોલીસમાં ગુનો નોંધાયો છે. હવે રાજકોટ અને સૌરાષ્ટ્રના રોકાણકારોએ રાજકોટ પોલીસ કમિશનર સમક્ષ ગુનો નોંધવા રજૂઆત કરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!