6000 કરોડના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની આખરે ધરપકડ, 1 મહિનાથી હતો ફરાર

અમદાવાદ: ભોળા માણસોને ભોળવીને 6000 કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીને મહેસાણા જિલ્લાના વિસનગરથી ઝડપી પાડવામાં આવ્યો છે. લોકોને ભ્રમિત કરી એકના ડબલ કરવાની લાલચ આપીને ભૂપેન્દ્ર ઝાલાએ ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લીમાંથી કરોડો રૂપિયા ઉધરાવી લીધા હતા.

પૂછપરછ શરૂ કરી દેવાઈ

ધરપકડ કર્યા બાદ તેને ગાંધીનગર લવાયો છે, જ્યાં તેની પૂછપરછ શરૂ કરી દેવાઈ છે. તેની ધરપકડ મહેસાણા જિલ્લાના વિસનગરના દવાડા ગામથી કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી CID ક્રાઇમ આ મામલે વ્યાપક કામગીરી કરી રહી હતી. CIDએ લોકોને જણાવ્યું છે કે, જેમને પણ ભૂપેન્દ્ર ઝાલા સામે ફરિયાદ કરવી હોય તેઓ ગાંધીનગર CID ક્રાઈમની ઓફિસે આવીને ફરિયાદ નોંધાવી શકે છે.

એક મહિનાથી ફરારા હતો

જ્યારથી કૌભાંડ બહાર આવ્યું ત્યારથી ભૂપેન્દ્ર ઝાલા ફરાર હતો. ત્યારે આજે એક મહિના બાદ તેને ઝડપી પાડવામાં આવ્યો છે. તે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના દવાડા ગામમાં છૂપાયો હતો. CID ક્રાઈમની ટીમે દવાડા ગામના ખેતરના એક નાના ઘરમાંથી છૂપાયો હતો જ્યાંથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે.

હવે ભોગ બનેલા લોકોને ન્યાય મળવાની આશા

ભૂપેન્દ્ર ઝાલા ઘણા સમયથી પોલીસની પકડથી દૂર હતો અને તેની તલાશી કરવામાં આવી રહી હતી. આખરે CID ક્રાઇમે તેને મહેસાણામાંથી પકડવામાં સફળતા મળી છે. આ ધરપકડથી BZ પોંઝી સ્કીમના ભોગ બનેલા લોકોને ન્યાય મળવાની આશા જાગી છે.
ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી

આ પહેલા ભૂપેંદ્ર ઝાલાએ અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જોકે આ અરજી ફગાવી દેવામાં આવી હતી. મહાઠગે અરજીમાં કોઈ કૌભાંડ આચર્યું જ ન હોવાની વાત કરી હતી અને ખોટી ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરી છે. ત્યારબાદ ધરપકડથી બચવા માટે ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. કૌભાંડ સામે આવ્યા બાદ ભૂગર્ભમાં ઉતરી જનાર મહાઠગે હવે પોલીસ તપાસમાં સહકાર આપવાની તૈયારી બતાવી હતી.

ભુપેન્દ્રસિંહ ઝાલા પાસે માત્ર નાણાધીરનારનું જ એક માત્ર લાયસન્સ

આ સમગ્ર કૌભાંડ મામલે ગાંધીનગર CID ટીમ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે BZ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને 6000 કરોડનું કૌભાંડ આચાર્યું હતું. ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલે જણાવ્યું હતું કે BZના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલા કોઈપણ પ્રકારના લાયસન્સ ધરાવતા નથી. ભુપેન્દ્રસિંહ ઝાલા પાસે માત્ર નાણાધીરનારનું જ એક માત્ર લાયસન્સ છે .આ લાયસન્સ પણ માત્ર સાબરકાંઠાના તલોદ પૂરતું જ સીમિત છે.

ભૂપેન્દ્ર ઝાલા વિરૂદ્ધ ચૂંટણી પંચમાં પણ ફરિયાદ

BZ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ ચૂંટણીપંચમાં પણ ફરિયાદ થઈ છે. કુમાર ભાટ નામના યુવકે હિંમતનગર ચૂંટણી શાખામાં લેખિતમાં ફરિયાદ કરી હતી. જેમાં લોકસભા 2024ની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મમાં ભૂપેન્દ્ર ઝાલાએ ક્રિમિનલ વિગતો છૂપાવી હોવાનો આરોપ લગાવ્યો છે. ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે, વર્ષ 2018માં ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ હથિયાર ધારા હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. તેની સામે CID ક્રાઈમમાં ફરિયાદ થઈ હતી. તેમ છતાં તેણે ઉમેદવારી ફોર્મમાં મહત્ત્વપૂર્ણ વિગતો છૂપાવી હતી. ત્યારે હવે ફરિયાદી દ્વારા ભૂપેન્દ્ર ઝાલા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરાઈ છે. મહત્વનું છે કે, લોકસભા 2024ની ચૂંટણીમાં સાબરકાંઠા જિલ્લાની બેઠક પરથી અપક્ષમાંથી ભૂપેન્દ્ર ઝાલાએ ઉમેદવારી નોંધાવી હતી. જો કે, બાદમાં તેમણે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!