અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દેનાર અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલકાંડની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. જેમાં રોજે રોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. તપાસમાં એવો પણ ઘટસ્ફોટ થયો હતો કે ખ્યાતિ હોસ્પિટલમાંથી દર્દીઓના ખોટા આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવતા હતા, જેની ઉંડાણ પૂર્વક તપાસ કરતાં ક્રાઇમ બ્રાન્ચને ગાંધીનગર આરોગ્ય વિભાગના કેટલાક કર્મચારીઓની સંડોવણી હોવાની માહિતી મળી આવી હતી. આ અંગે પુરાવા મળતાં ક્રાઈમ બ્રાન્ચે ગુરુવારે ગાંધીનગરથી આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરી હતી. આ ઉપરાંત આ મામલે ડોકટર સહિત વધુ ત્રણની ધરપકડ કરી છે.
પ્રથમવાર આરોગ્ય વિભાગના અધિકારી અને અન્ય સ્ટાફની સંડોવણી બહાર આવી
આ સમગ્ર મામલે પહેલા ચિરાગ રાજપુત, કાર્તિક પટેલ સહિત સાત આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય વિભાગના પીએમજેએવાય માટે કામ કરતા ડો. શૈલેષ આનંદ અને આયુષ્યમાન કાર્ડના ડેટાને આધારે પીએજેએવાયની સર્જરીની ઓનલાઇન મંજૂરી આપતા કર્મચારીને તેમજ ગુજરાતમાં પીએમજેએવાય હેઠળ આયુષ્યમાન કાર્ડની કામગીરી સંભાળતી એન્સર કંપનીના ડીજીટલ હેડ નિખીલ પારેખની શુક્રવારે ધરપકડ કરી હતી. આ કેસમાં પ્રથમવાર આરોગ્ય વિભાગના અધિકારી અને અન્ય સ્ટાફની સંડોવણી બહાર આવી છે. જેમાં ત્રણ થી ચાર જેટલા શંકાસ્પદ આયુષ્યમાન કાર્ડની મદદથી પીએમજેએવાય હેઠળ સર્જરીની મંજુરી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
તબીબી અધિકારીની ધરપકડ
આરોગ્ય વિભાગના ડો. શૈલેષ આનંદ, પ્રોજેક્ટ ઓફિસર મિલાપ પટેલ, એન્સર કંપનીના નિખિલ પારેખની ધરપકડ અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા ખ્યાતિ હોસ્પિટલકાડની તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે, ચિરાગ રાજપુત અને કાર્તિક પટેલના કહેવાથી પીએમજેએવાય હેઠળ આયુષ્યમાન કાર્ડના ડેટા સાચવવાની કામગીરી કરતી એન્સર નામની કંપનીના નિખીલ પારેખ માસ્ટર આઇડીને ભાડે આપીને અન્ય એજન્ટો દ્વારા મોટાપ્રમાણમાં ગેરકાયદે આયુષ્યમાન કાર્ડ તૈયાર કરતા હતા. જેથી સમગ્ર કૌભાંડમાં ગાંધીનગર સ્થિત આરોગ્ય વિભાગની પીએમજેએવાય સાથે સંકળાયેલા કર્મચારીની સંડોવણી હોવાની માહિતી મળી હતી. જેમા ચોક્કસ પુરાવાના આધારે પોલીસે આરોગ્ય વિભાગમાં તબીબી અધિકારી તરીકે ફરજ બજાવતા ડૉ. શૈલેષ આનંદ અને પીએમજેએવાય હેઠળ આયુષ્યમાન કાર્ડને મેચ કરીને સર્જરીની પરમીશનની કામગીરી કરતા પ્રોજેક્ટ ઓફિસર મિલાપ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે બાતમીને આધારે એન્સર કંપનીના ગુજરાતના ડીજીટલ હેડની કામગીરી સંભાળતા નિખીલ પારેખને પણ ઝડપી લીધો હતો.
આરોગ્ય અધિકારી શૈલેષ આંનદ માત્ર ખ્યાતિ હોસ્પિટલ જ નહી પણ અન્ય હોસ્પિટલોમાં આ મોડસ ઓપરેન્ડીથી નાણાં કમાવવા માંગતો હતો. જેથી તેણે મિલાપને એજન્ટો સાથે જોડાયેલા અલગ અલગ વોટ્સએપ ગુ્રપમાં એડ થવાનું કહ્યું હતું. જ્યાંથી એજન્ટોના કહેવાથી પીએમજેએવાય હેઠળ આયુષ્યમાન કાર્ડને લેવલ-1 મુજબ 80 ટકાથી વધારે મેચ કરીને સર્જરીની પરવાનગી આપતો હતો. આ મોડ્સ ઓપરેન્ડીથી તેણે ચાર હજાર જેટલા આયુષ્યમાન કાર્ડને મેચ કર્યા હોવાનું પણ ક્રાઇમબ્રાંચની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.