અમદાવાદમાં બનેલા ખ્યાતિકાંડ બાદ સરકાર સફાળી જાગી છે. પીએમજેએવાય યોજનામાં ગેરરીતિ કરીને સરકાર પાસેથી કરોડો રૂપિયા સેરવતી હોસ્પિટલ સામે સરકારે લાલઆંખ કરી છે. હવે સરકાર રાજ્યના અન્ય જિલ્લાઓમાં આ યોજનામાં ચાલતી ગેરરીતિ પકડવા કામે લાગી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના અંતર્ગતની SAFU(સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ)એ તજજ્ઞ તબીબોની ટીમ સાથે રાખીને રાજ્યમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી શંકાસ્પદ હોસ્પિટલ્સની મુલાકાત કરી હતી, જેના અંતર્ગત ગત અઠવાડિયામાં તા. 2 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં 5 હોસ્પિટલ અને 2 ડૉક્ટરની ગેરરીતિઓ સામે આવી છે.
પાટણ જિલ્લાની બે હોસ્પિટલ સામે કાર્યવાહી
પાટણ જિલ્લાની હીર ચિલ્ડ્રન હોસ્પિટલ, નિષ્કા ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોનેટલ કેર, દાહોદ જિલ્લાની સોનલ હોસ્પિટલ, અમદાવાદ જિલ્લાની સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલ અને અરવલ્લી જિલ્લાની શ્રી જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં વિવિધ ત્રુટિઓ અને ગેરરીતિ જણાઇ આવતાં PMJAY-મા યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.
પાટણની હીર હોસ્પિટલમાં મુલાકાત દરમિયાન પ્રી-ઓથ દરમિયાન કુલ 91 જેટલા લેબ રિપોર્ટમાં છેડછાડ અને નિયોનેટલ કેરમાં હાયર પેકેજ સિલેક્ટ કર્યા હોવાનું માલૂમ પડ્યું, જેથી હીર હોસ્પિટલ અને એમાં ફરજરત ડૉ. હિરેન પટેલને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હેલ્થ સ્પ્રિંગ 24 પેથોલોજી લેબોરેટરી પાટણને પણ આ યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાયા છે. વધુમાં હોસ્પિટલમાં રૂ. 50,27,7૦૦ની રિકવરી અને પેનલ્ટી પણ કરાઇ છે.
પાટણની નિષ્કા ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોનેટલ કેર સેન્ટરમાં પ્રી-ઓથ દરમિયાન કુલ 60 જેટલા રિપોર્ટમાં છેડછાડ અને હોસ્પિટલ દ્વારા જે લેબોરેટરીનું ટાઇઅપ કરેલું છે તેમની પાસે દર્દીના લેબ રિપોર્ટ માગવામાં આવતાં રિપોર્ટ ઉપલબ્ધ ન હોવાનું જણાઇ આવ્યું, જેથી હોસ્પિટલ તેમજ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ. દિવ્યેશ શાહને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વધુમાં શિવ ડાયગ્નોસ્ટિક લેબોરેટરી, પાટણને પણ આ યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાઇ છે. હોસ્પિટલને કુલ રૂ. 15,16,350ની રિકવરી અને પેનલ્ટી પણ કરવામાં આવી છે.
અમદાવાદ, દાહોદ અને અરવલ્લીની એક-એક હોસ્પિટલ સામે કાર્યવાહી
દાહોદની સોનલ હોસ્પિટલમાં યોજનાની માર્ગદર્શિકા મુજબ મેન પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાનું અને ઇન્ફેક્શન કંટ્રોલને લગતી કામગીરીમાં પણ ઊણપ હોવાનું જણાતાં આ હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરાઇ છે. અમદાવાદની સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલમાં ચોથા અને પાંચમા માળનું બી.યુ. પરમિશન ન હોવાનું, માર્ગદર્શિકા મુજબ સ્ટાફ અને મોડ્યૂલર ઓટીનો અભાવ તેમજ કેટલીક એક્સપાયરીવાળી દવાનો જથ્થો જણાઇ આવતાં હોસ્પિટલને બી.યુ. પરમિશન ન મળે તેમજ ઉક્ત ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરાઇ છે. અરવલ્લીની શ્રી જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ એક્સપાયર્ડ તેમજ એન.આઇ.સી.યુ.માં માર્ગદર્શિકા મુજબ વ્યવસ્થા જણાઇ ન આવતાં આ હોસ્પિટલને પણ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન મળે તેમજ જણાઇ આવેલી ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે.
વધુમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના અંતર્ગતની SAFU ટીમ દ્વારા રાજ્યની અન્ય હોસ્પિટલની પણ મુલાકાત કરવામાં આવી છે. આ મુલાકાત દરમિયાનની હોસ્પિટલ્સની રેકોર્ડ ચકાસણી થઇ રહી છે. આ રેકોર્ડમાં યોજનાની માર્ગદર્શિકાનું ક્યાંય પણ ઉલ્લંઘન થતું હશે તો આ હોસ્પિટલ્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
12 મહિનામાં 12 હોસ્પિટલ સસ્પેન્ડ
તાજેતરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના અંતર્ગત ગેરરીતિની ઘટનાઓ સામે આવી છે, જેના પગલે રાજ્ય સરકારે યોજના અંતર્ગતની કાર્ડિયો, રેડિયો, કીમો, નિયોનેટલ કેર સહિતની સારવાર માટેની નવી માર્ગદર્શિકા(SOP) બનાવી છે, જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે જાન્યુઆરી –2024થી અત્યારસુધીમાં PMJAY-મા યોજના અંતર્ગત ગેરરિતી બદલ કુલ 12 હોસ્પિટલને સસ્પેન્ડ, ડિએમ્પેન્લ્ડ કરવામાં આવી છે.