6000 કરોડના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર

 

અમદાવાદ: ગુજરાતના સૌથી મોટા પોન્ઝી સ્કીમ કૌભાંડ મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા છેલ્લા એક મહિનાથી ફરાર હતો. ગઈકાલે તેની મહેસાણા જિલ્લાના વિસનગરથી ધરપકડ કરી લેવામાં આવી હતી. તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જોકે, કોર્ટ 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.કુલ 29 મુદ્દાઓ સાથે CID ક્રાઈમ દ્વારા કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી, જેમાં કોર્ટ દ્વારા બંને પક્ષના વકીલોની દલીલને સાંભળ્યા બાદ 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

ભૂપેન્દ્રસિંહ ઝાલા એક મહિનાથી ફરાર હતો

જ્યારથી કૌભાંડ બહાર આવ્યું ત્યારથી ભૂપેન્દ્ર ઝાલા ફરાર હતો. તે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના દવાડા ગામમાં છૂપાયો હતો. CID ક્રાઈમની ટીમે દવાડા ગામના ખેતરના એક નાના ઘરમાંથી ઝડપી પાડ્યો હતો.

બીજી તરફ આ સાથે જ CIDની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થાય તેવી પુરેપુરી શક્યતા છે. CID ક્રાઈમ આશરો આપનારા કિરણ ચૌહાણના રાજકીય કનેકશનની પણ તપાસ કરી રહી છે.

ભુપેન્દ્રસિંહ ઝાલા પાસે માત્ર નાણાધીરનારનું જ એક માત્ર લાયસન્સ

આ સમગ્ર કૌભાંડ મામલે ગાંધીનગર CID ટીમ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે BZ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને 6000 કરોડનું કૌભાંડ આચાર્યું હતું. ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલે જણાવ્યું હતું કે BZના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલા કોઈપણ પ્રકારના લાયસન્સ ધરાવતા નથી. ભુપેન્દ્રસિંહ ઝાલા પાસે માત્ર નાણાધીરનારનું જ એક માત્ર લાયસન્સ છે .આ લાયસન્સ પણ માત્ર સાબરકાંઠાના તલોદ પૂરતું જ સીમિત છે.

ભૂપેન્દ્ર ઝાલા વિરૂદ્ધ ચૂંટણી પંચમાં પણ ફરિયાદ

BZ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ ચૂંટણીપંચમાં પણ ફરિયાદ થઈ છે. કુમાર ભાટ નામના યુવકે હિંમતનગર ચૂંટણી શાખામાં લેખિતમાં ફરિયાદ કરી હતી. જેમાં લોકસભા 2024ની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મમાં ભૂપેન્દ્ર ઝાલાએ ક્રિમિનલ વિગતો છૂપાવી હોવાનો આરોપ લગાવ્યો છે. ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે, વર્ષ 2018માં ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ હથિયાર ધારા હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. તેની સામે CID ક્રાઈમમાં ફરિયાદ થઈ હતી. તેમ છતાં તેણે ઉમેદવારી ફોર્મમાં મહત્ત્વપૂર્ણ વિગતો છૂપાવી હતી. ત્યારે હવે ફરિયાદી દ્વારા ભૂપેન્દ્ર ઝાલા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરાઈ છે. મહત્વનું છે કે, લોકસભા 2024ની ચૂંટણીમાં સાબરકાંઠા જિલ્લાની બેઠક પરથી અપક્ષમાંથી ભૂપેન્દ્ર ઝાલાએ ઉમેદવારી નોંધાવી હતી. જો કે, બાદમાં તેમણે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!