ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે OBC નેતાની પસંદગી થાય તેવી શક્યતા, આ નામ રેસમાં

અમદાવાદ: ગુજરાત ભાજપને ટૂંક સમયમાં પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે. અત્યાર સુધીમાં પ્રદેશ ભાજપને 10 પ્રદેશ પ્રમુખ મળી ચૂક્યા છે. હવે 11માં પ્રદેશ પ્રમુખ જાન્યુઆરી 2025માં મળી શકે છે. ભાજપ હાઇકમાન્ડ દ્વારા ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખપદે કોની પસંદગી થશે તેને લઈને પસંદગી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જો કે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે પાર્ટી OBC ચહેરાની તલાશ કરી રહી છે અને પસંદગીનો કળશ OBC ચહેરા પર ઢોળાય શકે છે.

ઉતરાયણ પછી તરત જ ભાજપ શહેર જિલ્લા પ્રમુખના નામનું એલાન કરવામાં આવી શકે છે. પ્રદેશ પ્રમુખની નિમણૂક માટે કેન્દ્રીય નિરીક્ષક ભૂપેન્દ્ર યાદવ 16 જાન્યુઆરીએ ગાંધીનગર આવશે તેવી ચર્ચા પણ છે.

વાવ વિધાનસભાની પેટાચૂંટણી પછી પાટીને સંકેત આપી દીધા હતા
કેન્દ્રીય મંત્રી બન્યા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનો એક પગ દિલ્હીમાં અને બીજો પગ ગુજરાતમાં રહ્યો છે. મંત્રીપદ અને પ્રદેશ પ્રમુખ આમ બન્નેની જવાબદારી પાટીલથી સંભાળી શકાય તેમ નથી. આ જોતાં ખુદ પાટીલે જ વાવ વિધાનસભાની પેટાચૂંટણી પછી નવા પ્રદેશ પ્રમુખ નજીકના દિવસોમાં નિમાશે તેવા સંકેત આપી દીધા હતા.

પ્રદેશ પ્રમુખની રેસમાં આ નામ

હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી પદે પાટીદાર છે તેવા કિસ્સામાં પાટીદાર નેતાને પ્રદેશ પ્રમુખ બનાવાય તેવી સંભાવના નહીવત છે. આ જોતાં ભાજપ પાસે OBC નેતા જ એકમાત્ર વિકલ્પ છે. અત્યારે ભાજપના વર્તુળોમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે પૂર્ણેશ મોદી, ઉદય કાનગડ, અર્જુનસિંહ ચૌહાણ, અમિત ઠાકર અને મયંક નાયકના નામ નવા પ્રદેશ પ્રમુખની રેસમાં છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં જોઇએ તો રજની પટેલ, શંકર ચૌધરી, જગદીશ પંચાલના નામ પણ ભાજપના પ્રદેશ પ્રમુખ બનવાની રેસમાં છે.

પ્રદેશ પ્રમુખને લઈને ભાજપનું કોકડુ ગુંચવાયું

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખને લઈને ભાજપનું કોકડુ ગુંચવાયું છે કારણ કે, ભારતીય જનતા પાર્ટીમાં સરકાર અને સંગઠનનું સંતુલન જાળવી શકે એવા જ વ્યક્તિને પાર્ટી પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવે છે. નવા પ્રદેશ અઘ્યક્ષની પસંદગી માટે ભાજપે કવાયત હાથ ધરી દીધી છે જેમાં કહેવામાં આવી રહ્યુ છે કે, ગુજરાત ભાજપમાં અત્યાર સુધી મોટાભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી જ પ્રદેશ પ્રમુખ મળ્યા છે.ત્યારે આ વખતે ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતમાંથી ભાજપના નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે. જો કે, છેલ્લી ઘડીએ ભાજપ કોથળા માંથી બિલાડું કાઢે તો નવાઈ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!