અમદાવાદ: અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં મોબાઈલ એસેસરીઝના વેપારમાં GST ચોરીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. ગીતામંદિર વિસ્તારમાં આંગડિયા પેઢીના માલિક મુંબઈથી મોબાઈલ અને મોબાઈલ એસેસરીઝ લાવીને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની મોટી ચોરી કરી રહ્યો છે. અત્યાર સુધી જીએસટી કચેરી સાથે મોટું કનેક્શન ધરાવતી હોવાનો દાવો કરતી આવેલી આંગડિયા પેઢીના માલિકોએ વેપારીઓની જીએસટીની બચતી રકમમાં પહેલા કરતાં ડબલ હિસ્સો માગતા વિવાદ સર્જાયો છે. મોબાઈલ સહીત કવર, હેડફોન, ટફન ગ્લાસ, હેન્ડ્સ ફ્રી, મોબાઈલ હોલ્ડર સ્ટેન્ડ, કેમેરા પ્રોટેક્શન સહિતની ઢગલાબંધ એસેસરીઝ જીએસટી ભર્યા વિના જ સપ્લાય લાવી આપતા હતા અને જીએસટી કચેરી દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવશે તેવી ખાતરી પણ આપતા હતા.
વેપારીઓ અને પેઢીના માલિકો વચ્ચે ઘર્ષણ
જીએસટીની ચોરીની રકમમાંથી મોટો હિસ્સો માગવાનું આંગડિયા પેઢીએ ચાલુ કરતાં વેપારીઓ અને પેઢીના માલિકો વચ્ચે ઘર્ષણ થયુ છે. આરએમ નામથી ચાલતી આંગડિયા પેઢી રિસીવરના નામ ઓરેન્જ, બ્લ્યુ, પિન્ક લખી રાખે છે. તેના પર માત્ર તેમની પાસેથી આંગડિયા સેવાના લેવાની રકમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બાકી કોઈ જ ઉલ્લેખ કરવામાં આવતો જ નથી. તેમની પાસે ઈ-વે બિલ પણ હોતા નથી. આમ જીએસટી ભર્યા વિના જ બધો માલ લાવી આપે છે. પહેલા જીએસટીના બચતા નાણાંમાંથી આંગડિયા પેઢી 30થી 40 ટકા રકમ લેતી હતી. હવે વેપારીઓ પાસેથી જીએસટીના બચતા નાણાંમાંથી 65 ટકાથી વધુ હિસ્સો માગનાર આંગડિયા પેઢીના માલિકો વેપારીઓને એમ કહીને ધમકાવે છે કે તમારા બજાર માટેનો માલ અમારા સિવાયના કોઈ જ અન્ય આંગડિયાને લાવવા દેવામાં આવશે નહિ.
આંગડિયા પેઢી ઇ-વે બિલ વિના જ આ માલ લાવે
આમ મુંબઈથી આવતો સપ્લાય અટકાવી દઈને તેમના સંપૂર્ણ વેપારને ઠપ કરી દેવાની ધમકી આપી રહ્યા છે. મોબાઈલ અને મોબાઈલ એસેસરીઝનો જથ્થો અત્યાર સુધી રેલવેમાં લાવવામાં આવતો હતો. હવે ટ્રક ટ્રાન્સપોર્ટર્સની લોરીઓમાં પણ તેણે માલ મંગાવવા માંડયો હોવાનું માહિતી મળી રહી છે. ગીતા મંદિરના એક મોબાઈલ હબમાં ઈ-વે બિલ વિના જ માલ લાવવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. દરરોજ સવારે ચાર વાગ્યે ટેમ્પોમાંથી ગીતામંદિરના બજાર માટે મોબાઈલ એસેસરીઝનો 1000 જેટલા નાના મોટા પાર્સલનો જથ્થો ઉતારવામાં આવે છે. આંગડિયા પેઢી ઇ-વે બિલ વિના જ આ માલ લાવે છે.
કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી
જોકે, આ હકીકતથી જીએસટીના ઘણાં અધિકારીઓ માહિતગાર છે. બાતમીદાર જીએસટી કચેરીને આ માહિતી આપે તો પણ આ વિસ્તારમાં દરોડો પાડવામાં નથી આવતો અને તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી પણ કરવામાં નથી આવતી અને આંગડિયા પેઢીને પણ માહિતગાર કરી દેવામાં આવે છે. જીએસટીના અધિકારીઓ વેપારીઓને તેની આગોતરી જાણકારી આપી દે છે. હવે આંગડિયા પેઢીના માલિકો જ વેપારીઓને ભેરવી દેવાની ચિમકી આપી રહ્યા છે.