જૂનાગઠ: દેશભરમાં સાયબર ફ્રોડ કરતી ગેંગ ઝડપાઈ, 200 બેંક ખાતાના કૌભાંડનો ખુલાસો

જૂનાગઠ: દેશભરમાં સાયબર ક્રાઇમ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે જૂનાગઢ સાયબર ક્રાઇમ પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે. છેલ્લા કેટલાક સમયથી અલગ-અલગ રીતે બેંકના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ ગઈ છે. અમદાવાદના બે મુખ્ય એજન્ટો સહિત કુલ 8 આરોપીઓની ધરપકડ કરી 50 કરોડ રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે.

સામાન્ય લોકોના બેન્ક એકાઉન્ટ ભાડે રાખતા

ગેંગ લોકોને લોભામણી લાલચ આપીને તેમના બેંક ખાતા ભાડે લેતી હતી. અમદાવાદના બે એજન્ટો દ્વારા જુનાગઢના પાંચ પેટા એજન્ટ રાખી વિવિધ રાજ્યોમાં ગઠિયાઓએ સાયબર ફ્રોડ દ્વારા મેળવાતી રકમ ટ્રાન્સફર કરવા સામાન્ય લોકોના બેન્ક એકાઉન્ટ ભાડે રાખ્યા હતા. આ મામલે રેન્જ સાયબર પોલીસે તપાસ આદરી જૂનાગઢની એક મહિલા સહિત આઠ વ્યક્તિની ધરપકડ કરી પૂછપરછ કરતા બહાર આવ્યું છે કે આ ટોળકી લોકોને કમિશન તેમજ ભાડું આપી ટ્રાન્સફર કરેલા પૈસા લેતા હતા અને તે રકમ રાજ્ય અને રાજ્ય બહાર હવાલા તેમજ આંગડિયા મારફતે મોકલતા હતા.

200 બેંક ખાતાના કૌભાંડનો ખુલાસો

આ સમગ્ર કામગીરી માટે ગેંગે એક સુવ્યવસ્થિત નેટવર્ક ઊભું કર્યું હતું. જૂનાગઢની આસપાસના જિલ્લામાં ભાડે બેંક ખાતા લઈ અલગ-અલગ બેંક ખાતાઓમાંથી 50 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરનાર જૂનાગઢની ગેંગને જૂનાગઢ સાયબર ક્રાઈમે ઝડપી પાડી છે. જૂનાગઢ રેન્જ આઈ.જી. નિલેશ જાજડીયાને મળેલી બાતમીના આધારે સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન 200થી વધુ બેંક ખાતામાં છેતરપિંડી થઈ હોવાનો પર્દાફાશ થયો છે. જેમાંથી 82 ખાતાની તપાસ કરતાં 50 કરોડ રૂપિયાની છેતરપિંડીનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે આ ગેંગના મુખ્ય એજન્ટ સહિતના 8 આરોપીઓની ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!