સુરત બાદ અમદાવાદમાં નકલી ચલણી નોટોનું કૌભાંડ, 500ની 247 નકલી નોટો સાથે 6 યુવકોને પોલીસે દબોચ્યા

અમદાવાદ: એક દિવસ પહેલા જ સુરતમાં નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું હતું. ત્યારે હવે અમદાવાદમાંથી પણ નકલી નોટોનું કૌભાંડ ચલાવતી વધુ એક ગેંગને ઝડપી પાડવામાં આવી છે. અમદાવાદના ચાણક્યપુરી માં આવેલ શાક માર્કેટમાં નકલી ચલણી નોટો આપીને ખરીદી કરવા આવેલી ગેંગના છ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. સોલા હાઇકોર્ટ પોલીસને બાતમી મળી હતી અને તેના આધારે તેમને આ ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

પોલીસે આરોપીઓ પાસેથી 500ની 247 જેટલી નકલી ચલણી નોટો જપ્ત કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ આરોપીઓ મધ્યપ્રદેશના ભીંડના વતની છે અને તેમના અન્ય એક સાગરીતે આ નકલી ચલણી નોટો પ્રિન્ટ કરવાની તેને તાલીમ આપી હતી જેમાં હાઈ ક્વોલિટીના કાગળ પર 500ની નોટ પ્રિન્ટ કરીને તૈયાર કરવામાં આવી હતી. સાંજના સમયે ભીડનો લાભ લઈને આ નકલી નોટ ફરતી કરવાના હતા. આ મામલે સોલા હાઇકોર્ટ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સોલા હાઇકોર્ટ પોલીસની બાતમી મળી હતી કે, ચાણક્યપુરીના શાક માર્કેટમાં કેટલાક શંકાસ્પદ લોકો 500ના દરની નકલી ચલણી નોટો સર્ક્યુલેટ કરવા ફરી રહ્યા છે અને કેટલાક લોકોને બનાવટી નોટ આપી છે. આ બાતમીના આધારે પોલીસની અલગ-અલગ ટીમને રવાના કરીને પોલીસે શંકાસ્પદ જણાતા છ યુવકોને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં તેમની પાસેથી 500ની 247 જેટલી નોટ મળી આવી હતી જે નકલી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે, આરોપીઓને અગાઉ યોગેશ નામના વ્યક્તિએ સારી ગુણવત્તાની ચલણી નોટો છાપીને બજારમાં ફરતી કરીને નાણાં કમાવાનો શોર્ટકટ બતાવ્યો હતો. જેના માટે તેણે અસલી નોટ સ્કેન કરીને તેને બંને તરફ પ્રિન્ટ કરવાથી લઈને તેના પર ગ્રીન કલર ઉપસી આવેલી ટેપ લગાવવાની ટેકનીક પણ શીખવી હતી. જેના આધારે આરોપીઓએ અગાઉ 100 રૂપિયાના દરની નકલી ચલણી નોટો તૈયાર કરી હતી અને તેને દિલ્હી તેમજ મધ્યપ્રદેશમાં નાના વેપારીઓને આપી હતી. ત્યારબાદ તેમણે થોડા દિવસ પહેલા 500 રૂપિયાના દરની બનાવટી ચલણી નોટો તૈયાર કરી હતી અને તેને અમદાવાદ જેવા શહેરમાં રાતના સમયે શાક માર્કેટમાં આપવા માટે નક્કી કર્યું હતું. જેથી તેઓ 250 જેટલી નોટો લઈને આવ્યા હતા તેમને રૂપિયા 500 ના દરની બે બનાવટી ચલણી નોટો ફરતી કરવામાં સફળતા મળી હતી. જેથી આરોપીઓએ તેમની પાસે રહેલી તમામ નોટો નાની મોટી ખરીદી કરીને વટાવવા માટે નીકળ્યા હતા જોકે તે પહેલા જ તેમને પોલીસે દબોચી લીધા હતા.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!