વિશ્વવિખ્યાત તબલા વાદક અને પદ્મવિભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન થઈ ગયું છે. તેમણે 73 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમની તબિયત લથડી જતા તેમને અમેરિકાના સાન ફ્રાન્સિસકોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યાં ICUમાં તેમની સારવાર ચાલી રહી હતી. જોકે ગઈ કાલે ઝાકિર હુસૈનના નિધનના અહેવાલો સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા પરંતુ બાદમાં પરિવારે આ અહેવાલોને ફગાવી દીધા હતા. જોકે આજે સવારે તેમના પરિવાર જનોએ આખરે તેમના નિધનની પુષ્ટિ કરી દીધી છે. પાંચ ગ્રેમી એવોર્ડ વિજેતા સંગીતકાર ઝાકિર હુસૈનના તબલાના તાલ સાંભળવા દુનિયા આતુર રહેતી હતી. તેઓ પિતાના પગલે ચાલીને તબલાને વૈશ્વિક સ્તરે લઈ ગયા.
ઝાકિર હુસૈનના પરિવારે મૃત્યુની પુષ્ટિ કરી
હુસૈનની બહેન ખુર્શીદે પણ તેમના નિધનની પુષ્ટિ કરી છે. હુસૈનના પરિવારે જણાવ્યું હતું કે, એક શિક્ષક, સરંક્ષક અને શિક્ષક તરીકેના તેમના ઉમદા કાર્યએ અસંખ્ય સંગીતકારો પર અમીટ છાપ છોડી છે. તેમને આશા હતી કે તેઓ આવનારી પેઢીને વધુ આગળ વધવા માટે પ્રેરણા આપશે. તેઓ એક સાંસ્કૃતિક રાજદૂત અને અત્યાર સુધીના સૌથી મહાન સંગીતકારોમાંથી એક તરીકે એક અનોખો વારસો છોડી ગયા છે. તમને જણાવી દઈએ કે, હુસૈનના પરિવારમાં તેની પત્ની એન્ટોનિયા મિનેકોલા અને પુત્રીઓ અનીસા કુરેશી અને ઈસાબેલા કુરેશીનો છે.
પાંચ ગ્રેમી એવોર્ડ વિજેતા
ઝાકિર હુસૈન ભારતના સૌથી લોકપ્રિય અને પ્રતિષ્ઠિત શાસ્ત્રીય સંગીતકારોમાંથી એક હતા. તેમને 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ઝાકિર હુસૈન તબલાના દિગ્ગજ અલ્લાહ રખાના પુત્ર હતા. છ દાયકાના શાનદાર કરિયર દરમિયાન તેમણે પાંચ ગ્રેમી પુરસ્કારો સહિત અનેક ઈન્ટરનેશનલ સમ્માન હાંસલ કર્યા છે. ગત વર્ષે પણ તેમને ત્રણ એવોર્ડ મળ્યા હતા.
ઝાકિર હુસૈનનો જન્મ મુંબઈમાં થયો હતો
9 માર્ચ 1951ના રોજ મુંબઈના માહિમમાં જન્મેલા ઝાકિર હુસૈનને નાનપણથી જ તબલા વગાડવાનો ખૂબ શોખ હતો. ઝાકિર હુસૈને ત્રણ વર્ષની ઉંમરે તેમના પિતા પાસેથી મૃદંગ (એક શાસ્ત્રીય વાદ્ય) વગાડવાનું શીખી લીધુ હતું. તેમણે 12 વર્ષની ઉંમરે મ્યુઝિક શોમાં પરફોર્મ કરવાનું શરૂ કરી દીધું હતું. ઝાકિર હુસૈને પોતાનો પ્રારંભિક અભ્યાસ માહિમ, મુંબઈની સેન્ટ માઈકલ સ્કૂલમાંથી કર્યો હતો અને મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. તેમણે વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી સંગીતમાં ડોક્ટરેટની ડિગ્રી મેળવી હતી. ઓલ-સ્ટાર ગ્લોબલ કોન્સર્ટમાં ભાગ લેવા માટે ઝાકિર હુસૈનને પૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામાએ વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપ્યું હતું. ઝાકિર હુસૈને લગભગ 12 ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.