પ્લાસ્ટિકના દાણાની આડમાં સોપારી ઘુસાડવાનો કારસો: મુન્દ્રા પોર્ટ પરથી 3 કરોડની કિંમતનો 53 ટન સોપારીનો જથ્થો ઝડપાયો

અમદાવાદ: થોડા સમય પહેલા જ મુન્દ્રા પોર્ટ પર સોલ્ટની આડમાં સોપારીનો જથ્થો ઘુસાડવાનો કૌભાંડનો પર્દાફાશ થયો હતો ત્યારે હવે ફરી એક વખત સોપારીકાંડ ચર્ચામાં આવ્યું છે. હવે આ વખતે પ્લાસ્ટીકના દાણાની આડમાં દુબઈથી ઘૂસાડાતો સોપારીનો જથ્થો ઝડપાયો છે. મુન્દ્રા કસ્ટમની સ્પેશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચે 53 ટન 3 કરોડ રૂપિયાનો સોપારીનો જથ્થો ઝડપી પાડ્યો છે. કસ્ટમની એસ.આઈ.આઈ.બીએ દુબઈથી ભારતમાં પ્લાસ્ટિકના દાણાની આડમાં સોપારીના જથ્થાને ઘૂસાડવાનો કારસો નિષ્ફળ બનાવી દીધો છે. બાતમીના આધારે ટીમે બે કન્ટેનરને અટકાવીને તપાસ કરી હતી.

બે કન્ટેનરમાંથી 53 ટન સોપારીનો જથ્થો મળી આવ્યો

પ્રાપ્ત માહિતી પ્રમાણે મુન્દ્રા કસ્ટમની એસઆઈઆઈબી શાખાને બાતમી મળી હતી. આ બાતમીના આધારે મુન્દ્રા કસ્ટમના પ્રિન્સિપલ કમિશનર કે. એન્જિનીયરના નિર્દેશથી કસ્ટમની આ બ્રાન્ચ દ્વારા કરાયેલી તપાસમાં બે મોટા 40 ફૂટના કન્ટેનરમાં પીવીસી રેઝિન (પ્લાસ્ટિકના દાણા)ની આડમાં બે કન્ટેનરમાંથી 53 ટન સોપારીનો જથ્થો મળી આવ્યો હતો.

પ્લાસ્ટિકના દાણાની આડમાં સોપારી ઘુસાડવાનો કારસો

સોપારીના કાળા કારોબાર માટે જાણીતા એવા દુબઈથી આવેલો અને કંડલા ખાતેના મુક્ત વ્યાપાર કેન્દ્રમાં સ્થિત એક યુનિટમાં જતો હોવાનું આયાતકાર દ્વારા ડિક્લેર કરાયું હતું અને જથ્થામાં પ્લાસ્ટિકના દાણા દર્શાવાયેલા હતા, પરંતુ આ મિસ ડિક્લેરેશન કેસમાં બે કન્ટેનરમાં કુલ 53 ટન વજનની સોપારી મળી આવી હતી. ત્યારે ફરી એક વખત કરોડો રૂપિયાની સોપારી પકડાતા સોપારી કાંડને અંજામ આપનારા માફિયાઓ એક્ટિવ થયા હોવાનું પુરવાર થઈ ગયું છે.

ચાર વર્ષ પહેલા કચ્છમાં સૌપ્રથમ સોપારીકાંડ પકડાયો હતો

તમને જણાવી દઈએ કે, ચાર વર્ષ પહેલા કચ્છમાં સૌપ્રથમ સોપારીકાંડ પકડાયો હતો તેમાં અમુક પોલીસ કર્મચારીઓની સંડોવણી પણ ચર્ચામાં આવી હતી. જોકે, આ ચાર કરોડના સોપારીકાંડમાં ચાર પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા બાદ તપાસ હજુ પણ અધ્ધરતાલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!