કડી: રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી નકલી વસ્તુનું ચલણ વધી ગયું છે. નકલી પોલીસ, નકલી અધિકારીઓ, નકલી ડોક્ટર, નકલી PMO કર્મચારી, નકલી ખાદ્ય પદાર્થોના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે હવે કડીમાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ છે. ગુજરાતમાં દારૂબંધી છે, છતાં બીજા રાજ્યમાંથી ગુજરાતમાં ગમે તે રીતે બૂટલેગરો દારૂ લઈને આવતા હોય જ છે. અવાર નવાર પોલીસ ઠેક- ઠેકાણેથી વિદેશી દારૂ પકડી પણ પાડતી હોય છે. પરંતુ બૂટલેગરો હવે કંઈક નવી તરકીબ શોધી લાવ્યા છે. હવે તેઓએ વિદેશી દારૂ બહારથી લાવવાના બદલે જાતે જ વિદેશી દારૂ બનાવવાનું શરૂ કરી દીધું છે.
મહેસાણાના કડીમાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ
ગુજરાતમાં દારૂબંધી આ વાત માત્ર મજાક હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં બેફામ દારૂ મળે છે તે વાત તો બધા જાણે છે. પરંતુ હવે મહેસાણાના કડીમાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ છે. જ્યાં નકલી દારૂ બનાવી વિદેશી બ્રાન્ડની બોટલમાં ભરી વેચાણ કરવામાં આવતું હતું. અહીં ચોંકાવનારી બાબત તો એ છે કે, જાતે બનાવતા આ દારૂ કોઈ સામાન્ય નથી પણ મેક ડોનાલ્ડ અને રોયલ ચેલેન્જ જેવી મોટી બ્રાન્ડેડ દારૂની બોટલ છે. કડી નજીક ખેતરમાં ઓરડીમાં એસી લગાવી આ લોકો વિદેશી દારૂ બનાવી રહ્યા હતા. જેમને કડી પોલીસે ઝડપી પાડ્યા છે. આ ઘટના દર્શાવે છે કે, બૂટલેગરો કાયદાનો ભય રાખ્યા વિના ગેરકાયદે પ્રવૃતિઓ કરી રહ્યા છે.
પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા
કડી પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એન સોલંકીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇPSI રાજેન્દ્ર પટેલ અને તેમની ટીમ પ્રોહીબિશનનની કામગીરી અંતર્ગત પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન તેમને બાતમી મળી હતી કે, અચરાસણ ગામની સીમમાં છેલ્લા કેટલાક સમયથી નકલી વિદેશી દારૂની ફેક્ટરી ધમધમી રહી છે અને આ ઈસમો કેમિકલ મિક્સ કરીને વિદેશી દારુ બનાવી રહ્યા છે. ત્યારબાદ પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને ઓરડામાંથી નકલી વિદેશી દારૂ ભરેલી બોટલો, ખાલી બોટલો અને આલ્કોહોલ જપ્ત કર્યા છે. આ દરમિયાન પોલીસે બે શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
1,29,520નો મુદ્દા માલ જપ્ત
દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી અલગ-અલગ કેમિકલ મિક્સ કરીને રોયલ ચેલેન્જ ફ્લેવરનો 100 લિટર નકલી વિદેશી દારૂ કિંમત રૂપિયા 61300 અને 450 લિટર કેમિકલ ઝડપી પાડ્યું હતું. આ કેમિકલ બાબતે આરોપીઓને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, અલગ-અલગ કેમિકલમાં પાણી નાખી આલ્કોહોલ ભેળવી એની અંદર કલર માર્ટ અને ફ્લેવર નાખી નકલી વિદેશી દારૂ તૈયાર કરવામાં આવતો હતો. આ સાથે જ પોલીસે 450 લિટર આલ્કોહોલ કિંમત રૂપિયા 22500 પણ કબજે કર્યું હતું. આ ઉપરાંત પોલીસે મીની વિદેશી દારૂની ફેક્ટરી માંથી અલગ-અલગ કેમિકલ તેમજ એસેન્સ, અલગ-અલગ બ્રાન્ડની ખાલી બોટલો સહિત કુલ રૂપિયા 1,29,520નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. બીજી તરફ પોલીસે ઝડપાયેલા બંને શખ્સ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.