જાન્યુઆરીના અંત સુધીમાં ભાજપને મળી શકે છે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, દિલ્હીમાં યોજાઈ મહત્વપૂર્ણ બેઠક

નવી દિલ્હી: નવા વર્ષમાં જાન્યુઆરીના અંતમાં ભાજપને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. ભાજપના નેતા પીટી કુંજાંગે જણાવ્યું કે, 15 જાન્યુઆરી સુધીમાં રાજ્ય અને જિલ્લા અધ્યક્ષોની ચૂંટણી પૂર્ણ થઈ જશે. ત્યારબાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થશે અને જાન્યુઆરીના અંતમાં અથવા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત કરવામાં આવશે.

દિલ્હીમાં યોજાઈ મહત્વપૂર્ણ બેઠક

નવી દિલ્હીમાં ભાજપના પાર્ટી હેડક્વાર્ટરમાં આજે સંગઠનની ચૂંટણીને લઈને મહત્વની બેઠક યોજાઈ હતી. તેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષ, તમામ મહાસચિવો, તમામ પ્રદેશ અધ્યક્ષ અને તમામ રાજ્ય મહાસચિવો તેમજ સંગઠનાત્મક ચૂંટણી પ્રક્રિયાના પ્રમુખો અને સહ-પ્રમુખ સામેલ રહ્યા હતા. બેઠક બાદ કુંજાંગે જણાવ્યું કે, ‘બેઠકમાં સંસ્થાની ચૂંટણી પ્રક્રિયાના તમામ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી.’

જેપી નડ્ડાનો કાર્યકાળ 2023માં પૂરો થઈ ચૂક્યો છે

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર અને ઝારખંડને 15 જાન્યુઆરી સુધીમાં નવા અધ્યક્ષ મળી શકે છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ 2023માં પૂરો થઈ ચૂક્યો છે. જો કે, ઘણા રાજ્યોની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તેમનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો. નડ્ડાને જાન્યુઆરી 2020માં પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ભાજપના બંધારણ પ્રમાણે વ્યક્તિ વધુમાં વધુ સતત બે ટર્મ સુધી અધ્યક્ષ રહી શકે છે. આ ઉપરાંત નડ્ડાને પણ કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ સામેલ કરવામાં આવ્યા છે, તેથી તેમની ફરીથી અધ્યક્ષ બનવાની આશાઓ સમાપ્ત થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!