સુરત: સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉતરાયણનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે ત્યારે સુરતમાંથી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પોતાના નાનાભાઈ સાથે પતંગની દોરીની માથાકૂટમાં માઠું લાગી જતાં 10 વર્ષના બાળકે આપઘાત કરી લીધો છે.
10 વર્ષના બાળકે નજીવી બાબતે નારાજ થઈ આપઘાત કર્યો
સુરતના વરિયાવના કંટારા ગામમાં ભલાભાઈ રોઠાડ પોતાના 4 સંતાનો સાથે રહે છે. ભલાભાઈ અને તેમની પત્ની ખેતરમાં મજૂરી કામ કરે છે. દરરોજની જેમ આજે પણ તેઓ ખેતરે મજૂરી કામ કરવા ગયા હતા. આ દરમિયાન બાળકો ઘરે એકલા હતા અને તેઓ પતંગ ચગાવી રહ્યા હતા. જેમાં ત્રીજા નંબરના બાળકે બીજા નંબરના બાળકને પતંગની દોરી આપવાનો ઈનકાર કરી દેતાં તેને માઠું લાગી ગયું હતું. ત્યારબાદ આ 10 વર્ષના બાળકે ખૂબ જ નજીવી બાબતે નારાજ થઈ ગળે ફાંસો ખાઈ આપઘાત જેવું ગંભીર પગલું ભર્યું હતું. બાળકના આપઘાતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો
આ સમગ્ર ઘટનાની જાણ માતા-પિતાને થતાં તેઓ મજૂરી કામ મૂકી તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતાં. ત્યારબાદ બાળકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. બાળકના આપઘાતની પોલીસને જાણ થતાં પોલીસે આપઘાતનો ગુનો નોંધી બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. હવે પોલીસે પરિવારજનો તેમજ આસપાસના લોકોની પૂછપરછ કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.