ન્યુ યર પહેલા ISROએ રચ્યો ઈતિહાસ, Spadex મિશનનું સફળ લોન્ચિંગ

નવી દિલ્હી: ભારત સ્પેસની દુનિયામાં વધુ એક મોટી છલાંગ લગાવીને વિશ્વના પસંદગીના દેશોની ક્લબમાં સામેલ થવા માટે તૈયાર છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ સોમવારે રાત્રે 10 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ (SPADEX) સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. PSLV-C60 દ્વારા મોકલવામાં આવેલા બંને યાન રોકેટથી સફળતાપૂર્વક અલગ થયા અને લગભગ 470 કિમીની નીચી ભ્રમણકક્ષામાં સ્થાપિત કરી દેવામાં આવ્યા. આગામી દિવસોમાં ISROના વૈજ્ઞાનિકો બંને યાન વચ્ચેનું અંતર ઘટાડીને એકબીજાને જોડવાનો પ્રયાસ કરશે.

Spadex મિશનનું સફળ લોન્ચિંગ

ISROએ વર્ષના આ છેલ્લા મિશનની સફળતા સાથે જ ભારત અમેરિકા, રશિયા અને ચીનની વિશેષ ક્લબમાં સામેલ થઈ જશે. મિશનની સફળતા ભારતીય સ્પેસ સેન્ટરની સ્થાપના અને ચંદ્રયાન-4 જેવા માનવ અંતરિક્ષ મિશન માટે મહત્વપૂર્ણ સાબિત થશે. પહેલા Spadex સોમવારે રાત્રે 9:58 વાગ્યે લોન્ચ થવાનું હતું, પરંતુ બાદમાં તેને 10:00 વાગ્યે બે મિનિટ મોડું લોન્ચ કરવામાં આવ્યું. મિશનના ડિરેક્ટર એમ જયકુમારે જણાવ્યું કે, 44.5 મીટર ઊંચા PSLV-C60 રોકેટમાં બે અવકાશ યાન ચેઝર (SDX01) અને ટારગેટ (SDX02) લઈને ગયુ છે. PSLV-C60 દ્વારા મોકલવામાં આવેલા બંને યાન સફળતાપૂર્વક અલગ થઈ ગયા અને લગભગ 470 કિમીની ઇચ્છિત નીચી ભ્રમણકક્ષામાં સ્થાપિત કરી દેવામાં આવ્યા. ISROએ જણાવ્યું કે, બંને યાનનો ઝુકાવ પૃથ્વી તરફ 55 ડિગ્રી રહેશે. આગામી દિવસોમાં વૈજ્ઞાનિકો બંને વાહનો વચ્ચેનું અંતર ઘટાડીને એકબીજાને જોડવાનો પ્રયાસ કરશે.

અવકાશમાં ‘ડોકિંગ’ ટેક્નોલોજી જરૂરી

મિશનનો ઉદ્દેશ્ય એ છે કે જ્યારે બંને યાન તેજ રફ્તારે પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યા હશે ત્યારે ચેઝર ટારગેટનો પીછો કરશે અને બંને ઝડપથી એકબીજા સાથે ડોક કરશે. એક જ મિશન ઉદ્દેશ્યો હાંસલ કરવા માટે બહુવિધ રોકેટ લોન્ચ કરવાની જરૂર હોય ત્યારે અવકાશમાં ‘ડોકિંગ’ ટેક્નોલોજી જરૂરી છે. ઇચ્છિત ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત થયા બાદ બંને અવકાશયાન 24 કલાકમાં લગભગ 20 કિલોમીટર દૂર થઈ જશે. ત્યાર પછી વૈજ્ઞાનિકો ડોકીંગ પ્રક્રિયા શરૂ કરશે. ઓનબોર્ડ પ્રોપલ્શનનો ઉપયોગ કરીને લક્ષ્ય ધીમે ધીમે 10-20 કિમીનું ઈન્ટર સેટેલાઈટ સેપરેશન બનાવશે. ત્યારબાદ ચેઝર તબક્કાવાર ટારગેટ સુધી પહોંચી જશે. તેનાથી અંતર ધીમે-ધીમે ઘટીને 5 કિમી, 1.5 કિમી, 500 મીટર, 225 મીટર, 15 મીટર અને અંતે 3 મીટર સુધી ઘટી જશે, જ્યાં ડોકીંગ થશે. ડોક થઈ ગયા પછી મિશન પેલોડ સંચાલન માટે તેમને અનડોક કરતા પહેલા અવકાશયાન વચ્ચે પાવર ટ્રાન્સફરનું પ્રદર્શન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!