વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં પીએચડીના પ્રવેશમાં કૌભાંડનો ખુલાસો થયો છે. આરટીઆઈમાં મંગાવવામાં આવેલી માહિતીમાં આ કૌભાંડનો પર્દાફાસ થયો છે. UGCની ગાઈડલાઈન પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા PHD પ્રવેશમાં પહેલા જ બતાવવાની હોય છે પરંતુ પ્રોફેસર અને ગાઈડ દ્વારા પોતાના માનીતા વિદ્યાર્થીઓને પોતાના હાથ નીચે પ્રવેશ આપવા માટે વિદ્યાર્થીઓની સંખ્યામાં ફેરફાર કરવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. 2020-21માં 4 વિદ્યાર્થી બતાવી 5ને પ્રવેશ અપાયો હતો એવી જ રીતે હવે ચાલુ વર્ષે પણ બે વિદ્યાર્થીઓનું ફીક્સિંગ કરાયું હોવાનો ઘટસ્ફોટ થયો છે.
યુનિવર્સિટીના જ એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ પીએચડીમાં વિદ્યાર્થીઓની સંખ્યા અને તેમાં આપવામાં આવતા પ્રવેશની માહિતી આરટીઆઇ દ્વારા માંગી હતી જેમાં આ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
UGCની ગાઇડલાઇન પ્રમાણે પીએચડીમાં પ્રવેશ આપવામાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યા પહેલા બતાવવાની હોય છે પરંતુ યુનિવર્સિટીના પ્રોફેસર-ગાઈડ દ્વારા આ સંખ્યા ‘ઝીરો’ બતાવીને બાદમાં તેમાં સુધારો કરવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. યુનિવર્સિટીના શિક્ષણ શાસ્ત્ર વિભાગમાં વર્ષ 2020-21ના પીએચડી પ્રવેશના નોટિફિકેશન તેમજ ગાઈડવાઇઝ સબ્જેક્ટમાં માત્ર 4 જગ્યા દર્શાવવામાં આવી હતી. જોકે આ જ વર્ષે પાંચ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
UGCના નિયમો નેવે મુકાયા
UGCના નિયમ પ્રમાણે પીએચડી પ્રવેશમાં 60% નેટ પાસવાળા અને 40% યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પરીક્ષામાં પાસ હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો નિયમ છે, પરંતુ 2020-21માં ત્રણ વિદ્યાર્થીઓ કે જેમાં પ્રવેશ પરીક્ષાથી પાસ, એક એમફીલ પાસ અને એક જીસેટ પાસ એમ કુલ પાંચ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરંતુ એક પણ નેટ પાસ થયેલા વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં નહોતો આવ્યો.જેના કારણે અન્યાયનો સામનો કરી રહેલા અરજદારે શિક્ષણ શાસ્ત્ર વિભાગના ડીન અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડોક્ટર પરેશ આચાર્ય અને યુનિવર્સિટીને પુરાવા સહિત અનેક વખત રજૂઆત કરી હતી પરંતુ કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થઈ હોવાનું જણાવ્યું હતું.
પીએચડીની જગ્યા જાહેર થઈ ગયા બાદ તેમાં સુધારો કરી ન શકાય.
મળેલી માહિતી પ્રમાણે પીએચડી પ્રવેશ પરીક્ષામાં એજ્યુકેશનના પ્રોફેસર ડોક્ટર નિપા ભરૂચાએ એક વિદ્યાર્થીને તેના પિતા સરકાર દ્વારા નિમાયેલા પૂર્વ સેનેટ સભ્યો હોવાના કારણે પીએચડી પ્રવેશ પરીક્ષા સેટિંગથી પાસ કરાવી દેવા અંગે ટીપ આપી હતી. પીએચડી ગાઈડે વર્ષ 2020ના 30મી સપ્ટેમ્બર સુધીમાં પોતાની અંડરમાં કેટલી જગ્યા ખાલી છે તે જણાવવાનું હતું. હવે યુનિવર્સિટીના નિયમ પ્રમાણે એક વખત પીએચડીની જગ્યા જાહેર થઈ ગયા બાદ તેમાં સુધારો કરી ન શકાય. ડોક્ટર ભરૂચાએ પોતાની અંડરમાં એક જગ્યા છોડીને બતાવી હતી પરંતુ ઓન પેપર તેમણે જગ્યા જીરો જ બતાવી હતી. બીજી તરફ શિક્ષણ શાસ્ત્ર વિભાગએ વર્ષ 2020ની 14મી ડિસેમ્બરના રોજ કાઉન્સેલિંગ રાખવા માટે જાણ કરી હતી. ત્યારબાદ 16મી ડિસેમ્બરના રોજ ડોક્ટર ભરુચાએ એકેડમી વિભાગને પત્ર લખીને પોતાના બે વિદ્યાર્થીઓએ ફી નથી ભરી તેવું કારણ જણાવી એક વિદ્યાર્થીનીની ફાળવણીની માગ કરી નિયમ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
સેટિંગ કરી એક સીટ અંદરખાને જાહેર કરાઈ હતી
વર્ષ 2020-21માં શિક્ષણ શાસ્ત્રમાં 18થી વધુ જગ્યાઓ ખાલી હતી પરંતુ ફક્ત ચાર જ જગ્યા ખાલી બતાવી હતી અને પાછળથી સેટિંગ કરી એક સીટ અંદરખાને જાહેર કરાઈ હતી. હવે મહત્વની વાત તો એ છે કે, યુનિવર્સિટીના પત્રકમાં જ 7.4 નિયમ પ્રમાણે કોઈ પણ વિદ્યાર્થી સિનોપ્સીસ સબમીટ કરે એ પછી જ સીટ ખાલી બતાવવાની હોય છે તેમ છતાં ડોક્ટર ભરૂચાએ સપ્ટેમ્બરમાં આપેલા પત્રકમાં અગાઉથી જ તેના બે વિદ્યાર્થી ઓક્ટોબરમાં સિનોપ્સીસ સબમિટ કરાવશે તેમ કહી યુનિવર્સિટીમાં જગ્યા ખાલી હોવાનું રજૂ કર્યું હતું.