સુરતના વરાછામાંથી 150 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું, ત્રણની અટકાયત

સુરત: રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે હવે નકલી ઘી બાદ શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે. લગ્ન સિઝન આવતાની સાથે રાજ્યમાં નકલી ઘી, નકલી તેલ અને નકલી પનીરના જથ્થા ઝડપાવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે સુરતના વરાછામાંથી 150 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે. આ શંકાસ્પદ પનીર હોટલ, રેસ્ટોરન્ટ અને ડેરીમાં વેચતા હોવાની શંકા સેવાઈ રહી છે. બીજી તરફ પોલીસે આ મામલે ત્રણ યુવકોની અટકાયત પણ કરી છે.

પનીરને જપ્ત કરી સેમ્પલ લેવાયા

સુરત ખાણી-પીણી માટે પ્રખ્યાત છે પણ સ્વાદરસિયાના શોખીનો માટે ક્યારેક બહારનું ભોજન જોખમી પણ સાબિત થઇ શકે છે, વરાછા વિસ્તારમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પોલીસને સાથે રાખીને તાસની વાડીમાં દરોડા પાડ્યા હતા. અહીંથી દરોડામાં 150 કિલોથી પણ વધુ શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા આ પનીરને જપ્ત કરી તેના નમૂના લઈને તપાસ માટે મોકલી આપ્યા છે.

અખાદ્ય ફૂડ પ્રોડક્ટ વેચતા લોકોમાં ફફડાટ

આરોગ્ય વિભાગ અને પોલીસની કાર્યવાહીને પગલે અખાદ્ય ફૂડ પ્રોડક્ટ વેચતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ સાથે શહેરમાં હોટેલ, રેસ્ટોરન્ટમાં અને નાસ્તાની ચાલતી હાટડી ચલાવતા ફૂડ સ્ટોલધારકોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે. આરોગ્ય વિભાગ આ પનીર સંદર્ભે વધુ તપાસ કરે તો અનેક ખુલાસા થાય તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!