કાતિલ ઠંડી માટે થઈ જાવ તૈયાર! અમદાવાદમાં ઉત્તરાયણ જેવો પવન ફૂંકાયો, રાજકોટમાં આગામી 24 કલાક ઠંડી માટે યલો એલર્ટ

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં અચાનક વધારો થયો છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડી વધી છે. હવામાન વિભાગ દ્વારા પણ ગાત્રો થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. સતત ત્રીજા દિવસે નલિયા અને રાજકોટમાં સૌથી ઓછું લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં ઉત્તરાયણ જેવો પવન ફૂંકાયો છે જ્યારે જૂનાગઢમાં રોપવેની સેવા બંધ કરવામાં આવી છે.

રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં રાજકોટ શહેર માટે ખાસ ઠંડીનું યલો એલર્ટ જાહેર કરાયું છે. સતત બે દિવસથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહીને પગલે નલિયા અને રાજકોટમાં છેલ્લા બે દિવસથી કોલ્ડવેવની અસર વર્તાઈ રહી છે. ત્યારે હજુ પણ આગામી 24 કલાક માટે રાજકોટ શહેર માટે હવામાન વિભાગ દ્વારા ભારે ઠંડીની ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે.

છેલ્લા બે દિવસથી દિવસ દરમિયાન પણ ઠંડા પવન ફૂંકાવાને કારણે લોકો ઠંડીનો સામનો કરી રહ્યાં છે. આ વચ્ચે હવે ગુજરાતીઓને કપરા દિવસો કાઢવા પડશે. ઠંડીનું પ્રમાણ વધુ રહેતાં અનેક જિલ્લાઓમાં શાળાના સમયમાં પણ ફેરફાર કરવાની માગ કરવામાં આવી છે. આ ઉપરાંત ઠંડીનું પ્રમાણ વધુ રહેતાં શિયાળુ પાકને પણ ફાયદો થવાની શક્યતા છે. છેલ્લા 24 કલાક દરમિયાન દિવસે સતત ઝડપી ગતિએ પવન ફૂંકાતાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો હતો. આ ઉપરાંત લઘુતમ તાપમાન યથાવત્ રહ્યું હતું.

અમદાવાદમાં આજે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ઘટશે, પરંતુ પવનની ગતિ વધુ રહેતાં અમદાવાદ જિલ્લા અને આસપાસના વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધુ અનુભવાશે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ઉત્તર અને ઉત્તરપૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે, જેની ગતિ 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે અને વધુ તેજ પવન ફૂંકાતાં આ ગતિ 25 કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે.

રાજકોટ અને નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું
સૌરાષ્ટ્ર કચ્છમાં ઉત્તર દિશા તરફથી પવનો આવતાં ઠંડીનું જોર વધ્યું હતું. છેલ્લા 24 કલાક દરમિયાન નલિયા અને રાજકોટમાં રાજ્યનું સૌથી ઓછું લઘુતમ તાપમાન નોંધાવ્યું હતું. આ બંને સ્થળ પર 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ ઓછું લઘુતમ તાપમાન નોંધાયું હતું.

રાજ્યમાં સૌથી વધુ ઠંડી ગઈકાલે વધુ એકવાર નલિયામાં રેકોર્ડ થઈ છે. 7.8 ડિગ્રી તાપમાન નોંધાતાં લોકો ઠૂઠવાયા હતા. જ્યારે જૂનાગઢ શહેરમાં ભારે પવનના કારણે ગિરનાર પર્વતની રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!