અમદાવાદ: રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે ત્યારે હવે અમદાવાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં 8 વર્ષની છોકરીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. થલતેજની ઝેબર સ્કૂલમાં ધોરણ 3માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને હાર્ટ એટેક આવી જતા મોત થઈ ગયું છે. 8 વર્ષની વિદ્યાર્થીનીનું મોત થઈ જતાં શાળામાં અફરાતફરી મચી ગઈ છે.
ઝેબર સ્કૂલની વિદ્યાર્થીની વિદ્યાર્થિની ગાર્ગી રાણપરાને અચાનક છાતીમાં દુઃખાવો થયો હતો. ત્યારબાદ તેને અસહજતા અનુભવાતા તે લોબી પરની ખુરશી પર બેસી ગઈ હતી. જ્યાં થોડી જ ક્ષણોમાં તે ઢળી પડી હતી. વિદ્યાર્થીનીને આ હાલતમાં જોતા જ આસપાસમાં હાજર શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ દોડી આવ્યા અને તેને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જોકે ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. હાર્ટ એટેકના કારણે સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
હાર્ટ એટેકથી 8 વર્ષની બાળકીનું મોત
ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનના આચાર્ય શર્મિષ્ઠા સિન્હાએ આ મામલે જણાવ્યું કે, ધોરણ 3માં અભ્યાસ કરતી બાળકી ગાર્ગી તુષાર રાણપરાનું મોત થયું છે. અમે સીસીટીવી રેકોર્ડિંગમાં જોયું કે, દરરોજ બાળકી જે રીતે આવતી હતી તેમ જ શાળામાં આવી હતી. તે તેના પહેલા માળ પર આવેલા ક્લાસમાં જઈ રહી હતી. તે દરમિયાન તે ધીરે-ધીરે ચાલી રહી હતી. આ દરમિયાન તે ત્યાં રહેલી ખુરશીમાં બેસી ગઈ અને પછી તે નીચે ઢળી પડી. શિક્ષકોએ જ્યારે આ જોયું ત્યારે એની પાસે દોડી ગયા હતા. બાળકીને જોતા લાગ્યું ક, તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી છે. એટલે અમે તેને સીપીઆર આપ્યું. ત્યારબાદ 108ને ફોન કર્યો. પરંતુ એમ્બ્યુલન્સ આવવામાં વિલંબ થતો હોવાથી અમે તેને સ્ટાફની ગાડીમાં સારવાર માટે લઇ ગયા હતા. અમે તેને ઝાયડસ હોસ્પિટલ લઇ ગયા, જ્યાં ડોક્ટર્સે તપાસીને કહ્યું કે, તેને હાર્ટ એટેક આવ્યો છે એટલે આઈસીયુમાં દાખલ કરવામાં આવી પરંતુ અંતે તેનું મોત થઇ ગયું.
સંચાલકોના જણાવ્યા પ્રમાણે શાળામાં પ્રવેશ લેતા તમામ વિદ્યાર્થીઓની મેડિકલ હિસ્ટ્રી ચેક કરવામાં આવે છે. પરંતુ આ વિદ્યાર્થિનીની આ પ્રકારની કોઈ મેડિકલ હિસ્ટ્રી ન હોવાનું સામે આવ્યું છે.