- SOGએ પાડયો દરોડો, મનપાનું આરોગ્ય વિભાગ ઊંઘતા ઝડપાયું
- દેખાવની કામગીરી માટે આરોગ્ય વિભાગે નમૂના મોકલ્યા લેબોરેટરીમાં, રિપોર્ટ આવશે ત્રણ મહિના બાદ
- મોટી હોટલો, રેસ્ટોરાં, રેકડીમાં થતુ હતું સપ્લાય
બજારમાં અને હોટલોમાં જે પનીર વપરાય છે તે ઘણા ખરા અંશે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પરંતુ જાગૃતતા ના અભાવે લોકો તેનું સેવન કરતા હોય છે. સામે હોટલ સંચાલકો પણ નફો રળવા ઍનાલોગ પનીરના નામે ગ્રાહકોને પ્રેમથી ખવડાવે છે અને ગ્રાહક બાપડો એનો ફરક જાણતો ન હોવાથી એ ખાય છે અને પનીરની ડિશના પૈસા ચૂકવે છે.
સત્ય હકીકત તો એ છે કે, પનીર એ કુદરતી રીતે દૂધને ફાડીને બનાવાતી આઇટમ છે. જો બે લિટર દૂધ હોય તો એમાંથી બહુ-બહુ તો 250 ગ્રામ પનીર મળે છે, જ્યારે ચીઝ ઍનાલોગ બનાવવામાં દૂધના પાઉડરમાં વનસ્પતિ ઘીનો ઉપયોગ થાય છે, જે ઓરિજિનલ પનીર કરતાં અડધા કરતાં પણ ઓછી કિંમતે તૈયાર થઈ જાય છે.
ચીઝ ઍનાલોગ દેખાવમાં પનીર જેવું જ હોવાથી પનીરને બદલે એને જ પનીર તરીકે ખપાવી એનો છૂટથી ઉપયોગ થાય છે અને લોકો સાથે છેતરપિંડી કરવાની સાથે તેમના સ્વાસ્થ્ય સાથે પણ ચેડાં થાય છે.
ગુજરાતમાં નકલી ડૉક્ટરોથી માંડીને નકલી અધિકારીઓની સાથે ધી, પનીર સહિતની ડુપ્લિકેટ વસ્તુઓનો રાફડો ફાટ્યો છે. ત્યારે રાજકોટ એસ.ઓ.જી. પોલીસે દરોડા પાડી 800 કિલો નકલી પનીર જથ્થો જપ્ત કર્યો છે. નકલી પનીર બનાવવા માટે પામતેલનો ઉપયોગ થતો હોવાનું પણ સામે આવ્યું છે. હાલમાં ફેક્ટરીના માલિકની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ એસ.ઓ.જી. પોલીસે શહેરના શીતલ પાર્ક વિસ્તારમાંથી નકલી પનીર બનાવતી ફેક્ટરી પર રેડ પાડી હતી. ફેક્ટરીની બહાર ફર્નિચરની દુકાનનું બોર્ડ લગાવીને છેલ્લા 3-4 વર્ષથી ચલાવવામાં આવતી હોવાનું પણ જાણવા મળ્યું છે. એસ.ઓ.જી. પોલીસની ટીમ આ જોઇને ચોંકી ગઇ હતી.
રેડ દરમિયાન લાખોની કિંમતનો 800 કિલો નકલી પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. નકલી પનીર બનાવવા માટે પામતેલનો ઉપયોગ થતો હોવાનું પણ સામે આવ્યું છે. ફેક્ટરીની ઠેર-ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ પનીર નકલી છે કે અખાદ્ય છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
વ્યાપારી પાસેથી સપ્લાયરોના નામ મેળવવાની આરોગ્ય વિભાગે શરૂ કરી તજવીજ
રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પાડવામાં આવેલા નરોડા બાદ આરોગ્ય વિભાગ ઊંઘતું ઝડપાયું છે ત્યારે કામગીરીમાં કોઈ પ્રશ્નો અને છાંટા ન ઉડે તે માટે વ્યાપારી પાસે તેના વિક્રેતાઓના નામ મેળવવાની તજવીજ શરૂ કરી છે એટલું જ નહીં આ માટે આરોગ્ય વિભાગ દ્વારા નમૂનો પણ લેવામાં આવ્યો છે જેને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલાયો છે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે જે નમૂનો લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો તેનો રિપોર્ટ આવતા આશરે ત્રણ માસ જેટલો સમય વીતી જશે ત્યાં સુધી કોઈ કાયદાકીય પગલા લઈ શકે. બહુ બહુ તો જે જથ્થો પકડવામાં આવ્યો છે તેનો નાશ માત્ર જ કરી શકે છે આરોગ્ય વિભાગ.