ગુજરાતીઓમાં વિદેશ જવાનો ક્રેઝ વધ્યો હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, આ વર્ષે રાજ્યમાં 8.63 લાખથી વધુ પાસપોર્ટ ઈશ્યૂ થયા છે. આ સાથે એપોઈન્મેન્ટના સમયમાં પણ ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં આ વર્ષે પાસપોર્ટ માટે 8.55 લાખથી વધુ અરજી આવી છે અને તેની સામે 8.63 લાખથી વધુ પાસપોર્ટ જારી થયા છે. અમદાવાદની રીજીયોનલ પાસપોર્ટ ઓફિસથી 6.82 લાખ જ્યારે સુરતથી 1.81 લાખ પાસપોર્ટ જારી કરવામાં આવ્યા છે. આમ, ગુજરાતમાંથી દરરોજ સરેરાશ 2585 પાસપોર્ટ ઈશ્યૂ થાય છે. અલબત્ત, વર્ષ 2023ની સરખામણીએ નવેમ્બર 2024 સુધી પાસપોર્ટની અરજીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
ગુજરાતમાંથી ગત વર્ષે અમદાવાદથી 7.95 લાખ અને સુરતથી 2.28 લાખ મળી કૂલ 10.24 લાખ પાસપૉર્ટ જારી કરવામાં આવ્યા હતા. આ સ્થિતિએ ગત વર્ષે દરરોજ 2807 જેટલા નવા પાસપોર્ટધારકો ઉમેરાતા હતા.
સમગ્ર દેશમાં આ વર્ષે નવેમ્બર સુધી 12.36 કરોડ અરજી સામે 11.84 કરોડ પાસપોર્ટ જારી થયેલા છે. છેલ્લા 6 વર્ષમાં ગુજરાતમાંથી 44.32 લાખથી વઘુ અરજીઓ આવી છે અને તેની સામે 43.99 લાખથી વઘુ પાસપોર્ટ ઈશ્યૂ થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિવાળી બાદ પાસપોર્ટ અરજદારોમાં ઘટાડો થયો છે. દિવાળી અગાઉ રોજના 3500 જેટલા અરજદારો હતા અને તે હવે ઘટીને 3 હજારની આસપાસ છે.
યમનનો પ્રવાસ કરવા બદલ સાત વર્ષમાં ગુજરાતમાંથી 14ના પાસપોર્ટ જપ્ત કરાયા છે જ્યારે 3ના પાસપોર્ટ પરત કરવામાં આવ્યા છે. રાજકીય સ્થિતિને પગલે સપ્ટેમ્બર 2017થી ભારતીયો માટે યમનના પ્રવાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પ્રતિબંધ છતાં યમનના પ્રવાસે જવા બદલ સમગ્ર દેશમાંથી કૂલ 579ના પાસપૉર્ટ જપ્ત થયા છે.