ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદમાં AMCની વધુ એક ઘોર બેદરકારી સામે આવી. શહેરમાં હાટકેશ્વર બ્રિજનું ઉદાહરણ હજુ ભૂલાયું નથી ત્યારે બોપલ-ઘુમા-શીલજમાં પણ રેલવે ઓવરબ્રિજને લઈને ચોંકાવનારી વાત બહાર આવી છે.
80 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલા ઓવરબ્રિજને છેડે રસ્તો જ નથી. આ બ્રિજના છેવાડે રહેણાંક વિસ્તારની દીવાલ છે, જેથી ઓવરબ્રિજ પરથી પસાર થનારા વાહનચાલકો આગળ કેવી રીતે જશે એ સવાલ ઊભો થયો છે. આ ઓવરબ્રિજને જોતાં ઔડાની ઇજનેરી કુશળતા છતી થઈ છે.
AMC અને AUDA દ્વારા 80 કરોડના ખર્ચે બોપલ, ઘુમા અને શીલજને જોડતો 4 લેન રેલવે ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે. બ્રિજનું 80 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયા બાદ ઇજનેરો અને અધિકારીઓને ખ્યાલ આવ્યો કે સામેના છેડે કોઈ રોડ જ નથી. એટલે કે બ્રિજના બીજા છેડે રસ્તો જ નથી અને બ્રિજ ઉતરતાની સાથે જ 30 ફૂટ બાદ ઊંચી દીવાલ આવી જાય છે. અને બાદમાં ખેતીલાયક જમીન શરૂ થઈ જાય છે. ત્યારે રોડ માટે ઝોનમાં પણ ફેરફાર કરવો પડે તેમ છે. આ ઝોન ફેરફાર માટેની પ્રક્રિયા પછી રોડ બની શકશે.
તંત્રના અણધડ આયોજનને કારણે રેલવે ઓવરબ્રિજ શરુ થઈ શકે તેમ નથી. અધિકારીઓનું કહેવું છે કે, શીલજ તરફ જવા માટે 45 મીટરના રોડ માટેની પ્રક્રિયા કરવા ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવા સૂચના અપાઈ હતી.