અમદાવાદ: આખું વિશ્વ જેની પાછળ પાગલ થયું છે એ કોલ્ડપ્લે કોન્સર્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 25 અને 26 જાન્યુઆરીના રોજ યોજાવાનો છે. કોલ્ડ પ્લેનો ક્રેઝ ભારતમાં ખૂબ વધારે હોવાથી કોન્સર્ટની જાહેરાત થતા જ ઓનલાઈન ટિકિટનું વેચાણ કરતી સાઈટ પણ ક્રેશ થઈ ગઈ હતી. અને ટિકિટનું વેચાણ શરૂ થયા બાદ અમુક સમયમાં હજારો ટિકિટ વેચાઈ ગઈ હતી. ત્યારે હવે બીજી તરફ કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટનું કાળા બજાર પણ શરૂ થઈ ગયુ છે. થોડા દિવસ પહેલા અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળા બજારી કરનારો શખ્સ ઝડપાયો હતો. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે વધુ ભાવે ખોટી રીતે કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટનું વેચાણ કરતાં વધુ બે શખ્સોને ઝડપી પાડ્યા છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાણીપથી બે યુવકો ઝડપાયા
અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 25મી અને 26મી જાન્યુઆરીએ યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટ ઓનલાઈન ખરીદીને કેટલાક શખ્સો દ્વારા ખોટી રીતે વેચાણ કરવામાં આવી રહી હોવાની સામે આવ્યું છે. જેમાં રાણીપ ખાતે બે યુવકો બ્લેકમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટનું વેચાણ કરી રહ્યા હોવાની ઝોન 2 ડીસીપીની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી.
આરોપીઓ પાસેથી 4 ટિકિટ મળી આવી
પોલીસને બાતમી મળી હતી કે, આ યુવકોએ શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે પહેલા ઓનલાઈન ટિકિટ બુક કરી લીધી અને બાદમાં તેનું કાળા બજારી શરૂ કરી દીધું છે. એક ટિકિટ પાછળ 7500 રૂપિયાનો ફાયદો લઈ રહ્યા છે. ત્યારબાદ એલસીબીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વત્સલ કોઠારી અને બિસપ ખલાસની અટકાયત કરી લીધી હતી. વત્સલ બોડકદેવ વિસ્તારમાં આવેલા અક્ષરધામ એપાર્ટમેન્ટમાં રહે છે અને બિસપ ખલાસ રાણીપ વિસ્તારમાં આવેલી વારહપ્રભુ સોસાયટીમાં રહે છે. બંને પાસેથી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચાર ટિકિટો મળી આવી હતી.