અમદાવાદ: ઉત્તરાયના તહેવારને હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે આ વચ્ચે ગુજરાત હાઈકોર્ટે મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં માત્ર ચાઈનીઝ દોરી જ નહીં પણ કાચવાળો પાઉડર ચઢાવીને વેચાતી દોરી પર પણ પ્રતિબંધ લાદી દીધો છે. ગુજરાત હાઈકોર્ટે ચાઈનીઝ દોરી કેસમાં સુનાવણી વખતે કહ્યું કે ‘રાજ્યમાં માત્ર ચાઈનીઝ દોરી જ નહીં પણ કાચવાળો પાઉડર ચઢાવીને વેચાતી દોરી ઉપર પણ પ્રતિબંધ જ છે.’
કાચના પાઉડરથી રંગેલી દોરી પર પણ પ્રતિબંધ
એક તરફ પતંગ રસિયાઓ પતંગ, દોરી અને અન્ય જરૂરી વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે જ્યારે બીજી તરફ ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. હાઈકોર્ટે ચાઈનીઝ દોરીના કેસની સુનાવણી દરમિયાન સ્પષ્ટ કર્યું છે કે, રાજ્યમાં માત્ર ચાઈનીઝ દોરી જ નહીં, પરંતુ કાચના પાઉડરથી રંગેલી દોરી પર પણ પ્રતિબંધ છે.આ પ્રતિબંધમાં ચાઈનીઝ દોરી, નાયલોન દોરી અને કાચવાળા પાઉડરથી રંગેલી દોરી પણ સામેલ છે. આ નિર્ણય પશુ-પક્ષીઓ અને માનવ સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
હાઈકોર્ટે સરકારી તંત્રને કાર્યવાહી કરવાનો આપ્યો આદેશ
તમને જણાવી દઈએ કે, કોટનની દોરીને કાચના પાઉડરથી તૈયાર કરેલી લુગદીથી રંગવામાં આવે છે અને તેને વધુ ધારદાર બનાવવામાં આવે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે સરકારી તંત્રને કડક શબ્દોમાં આદેશ આપ્યો છે કે, આ પ્રકારની દોરી પર પણ કડક કાર્યવાહી કરવામાં આવે. ગુજરાત હાઈકોર્ટના આ નિર્દેશ બાદ પોલીસ દ્વારા કાચ પાઉડરથી રંગાયેલી દોરીના ઉત્પાદન, ખરીદ-વેચાણ અને ઉપયોગ સામે પણ કડક પગલાં લેવામાં આવી શકે છે.