અમદાવાદ: ગુજરાત સરકારમાં સેટલમેન્ટ કમિશનર અને જમીન રેકોર્ડ નિયામકના તાબા હેઠળના તંત્રમાં કેટલી હદે ભ્રષ્ટાચાર છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. પંચમહાલ જિલ્લાના તત્કાલીન સિટિ સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ ડી.ડી.પટેલે તેમની ફરજ દરમિયાન નિયમ વિરુદ્ધ પ્રોપર્ટીકાર્ડ કાઢી આપી મસમોટું કૌભાંડ આચર્યું હતું. આ સમગ્ર કૌભાંડ બાદ સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રોપર્ટી કાર્ડોની પ્રાથમિક તપાસ રાજ્ય કચેરીએ કરી પ્રોપર્ટી કાર્ડ ક્ષતિપૂર્ણ જણાઈ આવતા 2866 ક્ષતિપૂર્ણ પ્રોપર્ટી કાર્ડ રદ કરવા સેટલમેન્ટ કમિશનર કચેરીએ સિટિ સર્વે કચેરી ગોધરાને આદેશ આપ્યો છે. સેટલમેન્ટ કમિશનરે પંચમહાલ સિટિ સર્વે કચેરી દ્વારા બનાવવામાં આવેલા 2866 પ્રોપર્ટી કાર્ડ ક્ષતિપૂર્ણ હોવાથી તેને રદ કરવાનો આદેશ આપ્યો છે.
ગેરકાયદે રીતે 2,866 પ્રોપર્ટીકાર્ડ કાઢયા હતા
DILR કચેરીના વર્ગ-2ના અધિકારી દિપક પટેલે ગોધરા ખાતે સિટિ સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ તરીકેની ફરજ બજાવતી વખતે ગેરકાયદે રીતે 2,866 પ્રોપર્ટીકાર્ડ કાઢયા હતા. જેના પગલે મહેસૂલ વિભાગે તેમને સસ્પેન્ડ કરવાનો હુકમ કરી તેમની આહવા ડાંગ બદલી કરી દીધી હતી.
અન્ય ત્રણ સર્વેયરોની પણ બદલી કરાઈ હતી
કરોડો રૂપિયાના કૌભાંડમાં સરકારને નાણાંકીય નુકસાન પહોંચાડવાના કેસમાં ડીઆઇએલઆર કેડરના કોઈ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તેવી રાજ્યની પ્રથમ ઘટના હતી. આ ઉપરાંત ડીઆઇએલઆર કચેરીના અન્ય ત્રણ સર્વેયરોની પણ બદલી કરાઈ હતી.
DILR કેડરના ડી.ડી.પટેલ ગોધરામાં સિટિ સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ હતા ત્યારે તેમણે કાતોલ ગામમાં સરવે નંબર 30ની 1139 ચો.મી. જમીન અંગે વર્ષ 2021, 2022 અને 2023 એમ ત્રણ વર્ષમાં કોઈ અરજી જ નહોતી થઈ તેમ છતાં મેન્ટેનન્સ સરવેયરના લોગઇનમાંથી ડેટા એન્ટ્રી કરીને પ્રોપર્ટીકાર્ડ કાઢી આપ્યા હતા.
ભુમાફિયાઓમાં ફફડાટ
સેટલમેન્ટ કમિશનર કચેરી દ્વારા 2,866 પ્રોપર્ટી કાર્ડ રદ કરવાના આદેશના પગલે ભુમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ મિલકતો ઉપર અંકુશ આવે તે પૂર્વે કેટલાક જમીન દલાલો તેવી મિલકતો વેચવાની પેરવી કરી રહ્યા છે.