ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પ્રચાર માટે હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે સુરત મનપાની ચૂંટણીના અંતિમ તબક્કામાં ભાજપે પાટીદાર વિસ્તારમાં પ્રભુત્વ મેળવવા પૂરી તાકાત લગાવી દીધી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે છે.
અહીં CM સીમાડા નાકાથી હીરાબાગ સર્કલ સુધી રેલી યોજી છે. આ હાઈ-પ્રોફાઈલ પ્રચારને પગલે શહેરમાં સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણીપંચે ઉમેદવારો માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. હવે ઉમેદવારો દ્વારા સોશિયલ મીડિયા મારફતે કરવામાં આવતા પ્રચાર પર થતો ખર્ચ ચૂંટણી પંચને ફરજિયાત રીતે જણાવવો પડશે.
આ નિર્ણય અનુસાર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ સહિતના પ્લેટફોર્મ પર કરવામાં આવતા તમામ પ્રકારના પ્રચાર જેમ કે પેઈડ એડ, બૂસ્ટેડ પોસ્ટ, વિડિયો કેમ્પેઇન અથવા અન્ય ડિજિટલ સામગ્રીનો સંપૂર્ણ ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબમાં સમાવેશ કરવો ફરજિયાત છે.