અમદાવાદ: BZ ગ્રુપના 6,000 કરોડના રાજ્યવ્યાપી કૌભાંડનો મુખ્ય આરોપી એવો કંપનીનો CEO ભુપેન્દ્રસિંહ ઝાલા હાલમાં ફરાર છે. ત્યારે બીજી તરફ આ આ મામલે CID ક્રાઈમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે આ તપાસ દરમિયાન CID ક્રાઈમને બી ઝેડ ગ્રુપની ચાર કંપનીઓના 16 બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 360 કરોડના ટ્રાન્જેક્શન મળ્યા છે. આ ઉપરાંત પોલીસે રૂપિયાએ 100 કરોડની 17 મિલકતો અને નવ કરોડની અલગ અલગ કાર જપ્ત કરી લીધી છે. જોકે હજુ સુધી મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા અંગે કોઈ જાણકારી નથી મળી. બીજી તરફ આ કેસમાં મુખ્ય એજન્ટ મયુર દરજી સહિત સાત એજન્ટોની ધરપકડ કરી લેવામાં આવી છે.
16 બેંક એકાઉન્ટમાં 360 કરોડના ટ્રાન્જેક્શન મળ્યા
BZ ફાઈનાન્સિયલ સર્વિસ, ઈન્ટરનેશનલ બ્રોકિંગ પ્રાઈવેટ લિમિટેડ, BZ પ્રોફિટ પ્લસ અને BZ મલ્ટી ટ્રેડ આમ 4 કંપનીના વર્ષ 2020થી લઈને 2024 દરમિયાન ચાર વર્ષના ટ્રાન્જેક્શનની તપાસ કરવામાં આવી હતી, જેમાં આ ચાર કંપનીઓના 16 બેંક એકાઉન્ટમાં રોકાણકારોએ 360 કરોડનું રોકાણ કર્યું હોવાનો ખુલાસો થયો છે.
આ ચારેય બેંક એકાઉન્ટમાંથી નાણાનું અરસ-પરસ સર્ક્યુલેટ ટ્રાન્જેક્શન થયું હોવાની માહિતી મળી છે. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલા પ્રથમ રોકાણકારોને રાષ્ટ્રીયકૃત બેંકો કરતાં વધુ ઊંચુ વળતર આપી રોકાણકારોને વિશ્વાસમાં લઈ કરોડો રૂપિયાનું રોકાણ કરાવતો હતો. CID ક્રાઈમની તપાસ દરમિયાન આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાની ફક્ત એક જ બ્રાન્ચમાંથી રોકડ વ્યવહારનું ટ્રાન્ઝેક્શનની તપાસમાં કુલ રૂપિયા 52 કરોડ રોકડા રોકાણકારોએ આપ્યા હોવાનું સામે આવ્યું છે.
મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા હાલમાં ફરાર
મૂળ સાબરકાંઠાનો વતની ભુપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ CID ક્રાઈમે ગત નવેમ્બર મહિનામાં ઠગાઈની તથા જીપીઆઈડી એક્ટ મુજબ ફરિયાદ નોંધીને અત્યાર સુધીમાં કુલ સાત આરોપીઓને જેલ હવાલે કરી દીધા છે. અલગ અલગ 04 ટીમો બનાવીને સીઆઈડી ક્રાઈમે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. પરંતુ મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા છેલ્લા એક મહિનાથી પોલીસની પકડથી દૂર છે.