સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી ચાલ્યું હતું. આ દરમિયાન વિવિધ મુદ્દાઓ પર લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. ‘ધક્કામુક્કી’ પણ થઈ હતી, જેમાં ભાજપના બે સાંસદો ઈજાગ્રસ્ત થયા છે. આ વખતે અદાણી, જ્યોર્જ સોરસ, નેહરુ અને આંબેડકરનો મુદ્દો સંસદમાં છવાયેલો રહ્યો અને બંને ગૃહો સ્થગિત કરવામાં આવ્યા. પરંતુ આ બધા વચ્ચે એ જાણવું જરૂરી છે કે, આ શિયાળુ સત્રમાં કેટલું કામ થયું અને કેટલું નુકસાન થયું અને આખા શિયાળુ સત્રમાં કેટલા બિલ પાસ થયા અને કેટલા જાહેર મુદ્દાઓ પર ચર્ચા થઈ તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સંસદના બંને ગૃહો, લોકસભા અને રાજ્યસભાને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવ્યા છે. સંસદના શિયાળુ સત્રમાં 20 દિવસનું કામકાજ થયું. સત્રના છેલ્લા દિવસે શુક્રવારે સવારે 11:00 વાગ્યે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ હતી. પરંતુ ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર વિપક્ષે હોબાળો કર્યો હતો, ત્યારબાદ ગૃહમાં વંદે માતરમ ગાવામાં આવ્યું અને લોકસભાને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.
રાજ્યસભામાં છેલ્લા દિવસે પણ હોબાળો ચાલુ જ રહ્યો હતો, જેના કારણે ગૃહની કાર્યવાહી પહેલા 12:00 વાગ્યા સુધી અને પછી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી, પરંતુ જ્યારે હોબાળો બંધ ન થયો ત્યારે ગૃહની કાર્યવાહી બાદમાં અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં.
આંબેડકર પર ભાજપ-કોંગ્રેસ આમને સામને
સત્રના છેલ્લા દિવસે પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના નેતાઓએ વિજય ચોકથી સંસદ ભવન સુધી કૂચ કરી હતી. તેમણે ગૃહમંત્રી પાસેથી તેમના નિવેદન માટે માફી માંગવાની માગ કરી છે. જો કે, આ પ્રદર્શનમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી ક્યાંય નજર નહોતા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે FIRમાં રાહુલ ગાંધીનું નામ નોંધાયેલું હોવાથી તેમણે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ નહોતું કર્યું.
બીજી તરફ ભાજપના સાંસદોએ વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે મોરચો ખોલી દીધો હતો અને નાગાલેન્ડની મહિલા સાંસદ સાથે ગેરવર્તણૂકના આરોપ પર રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રોટેસ્ટ કરી અને માફીની માગ કરી હતી.
જો જોવામાં આવે તો સમગ્ર સત્ર દરમિયાન સંસદ માત્ર હોબાળા અને વિરોધની સાક્ષી બની,જોકે, સત્રમાં મોંઘવારી, બેરોજગારી, ખેડૂતો અને દેશની સુરક્ષા જેવા જનતા સાથે સબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવાની જરૂર હતી. સંસદમાં આ વખતે, અદાણી, જ્યોર્જ સોરસ, નેહરુ અને આંબેડકરના નામો ઉછળતા રહ્યા હતા.
ઘણીવાર તમે સંસદ સત્રને લગતા આવા સમાચારો જોતા હશો અને સાંભળતા હશો, પરંતુ ભાગ્યે જ તેને ગંભીરતાથી લેતા હશો પરંતુ આ સમાચારો પર ધ્યાન આપવાની જરૂર છે કારણ કે, તે તમારી અને અમારી ટેક્સ કમાણી સાથે સંબંધિત છે, જેનો ઉપયોગ સંસદની કાર્યવાહી ચલાવવા માટે થાય છે. સંસદના શિયાળુ સત્રમાં 20 દિવસ સુધી કામ ન થવાને કારણે અંદાજિત 84 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ તે પૈસા છે જે આપણા ટેક્સમાંથી વસૂલવામાં આવે છે.
સંસદની કાર્યવાહી પર પ્રતિ મિનિટ લગભગ 2.50 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. જો લોકસભા અને રાજ્યસભામાં કામકાજના કલાકોની ગણતરી કરવામાં આવે તો લોકસભામાં 61 કલાક 55 મિનિટ અને રાજ્યસભામાં 43 કલાક 39 મિનિટ કામ થયું હતું. લોકસભામાં 20 બેઠકો અને રાજ્યસભામાં 19 બેઠકો થઈ હતી. જોકે,આ તો નુકસાનના આંકડાની વાત થઈ પરંતુ આ વખતે સત્રમાં વધુ એક રેકોર્ડ બન્યો છે. જો કે આ રેકોર્ડનું પરિણામ સુખદ નથી. 1999 અને 2004ની વચ્ચે, 13મી લોકસભામાં બે સત્રો દરમિયાન 38 બિલ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 21 પાસ થયા હતા, 2004થી 2009 દરમિયાન 14મી લોકસભામાં 30 બિલો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 10 પાસ થયા હતા.
આ વખતે માત્ર એક બિલ પાસ થયું
2009થી 2014 વચ્ચે 15મી લોકસભામાં 32 બિલ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાંથી 17 બિલ પાસ થયા હતા. 2014થી 2019 દરમિયાન 16મી લોકસભામાં 30 બિલ રજૂ કરવામાં આવ્યા હતા અને 17 પાસ થયા હતા. 17મી લોકસભામાં 55 બિલ રજૂ કરવામાં આવ્યા હતા અને 42 પાસ થયા હતા. વર્તમાન 18મી લોકસભાના બે સત્રમાં 15 બિલ રજૂ કરવામાં આવ્યા હતા અને માત્ર એક બિલ પાસ થયું છે. છેલ્લી છ લોકસભામાં આ સૌથી નીચો આંકડો છે. જો કે, સાંસદોની સાથે રાજ્યસભા અથવા લોકસભાના બંને ગૃહો ચલાવવાની જવાબદારી સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની પણ છે, કારણ કે તેઓ સંસદના બંને ગૃહોમાં કાર્યવાહીનું સંચાલન કરે છે.