અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દેનાર BZ ગ્રુપ કૌભાંડ મામલે રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. ભૂપેન્દ્ર સિંહ ઝાલા પર સકંજો કસ્યા બાદ હવે CIDની ટીમે મહાઠગને આશરો આપનાર કિરણસિંહની પણ ધરપકડ કરી લીધી છે. ભૂપેન્દ્ર ઝાલાને આશરો આપવો કિરણસિંહને ભારે પડ્યો છે. આ કેસમાં પોલીસ તેની મદદગારીના ગુનામાં ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે. ભૂપેન્દ્ર ઝાલા વિસનગરના દવાડા ગામે કિરણસિંહના આશ્રય હેઠળ રહી રહ્યો હતો.
ભૂપેન્દ્ર ઝાલા કિરણસિંહ ચૌહાણના ફાર્મ હાઉસ પર રોકાયો હતો
આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યા બાદ મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ધરપકડથી બચવા ભાગતો હતો ત્યારે તે વિસનગરના દવાડા ગામે કિરણસિંહ ચૌહાણના ફાર્મ હાઉસ પર રોકાયો હતો. જેની જાણ થતાં પોલીસે ફાર્મ હાઉસમાંથી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી હતી. ત્યારબાદ હવે ભૂપેન્દ્ર ઝાલાને આટલા દિવસ સુધી છુપાવીને રાખનાર કિરણસિંહની CID ક્રાઈમે ધરપકડ કરી લીધી છે.
CIDના આરોપ
આ સમગ્ર કૌભાંડ મામલે ગાંધીનગર CID ટીમ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે BZ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને 6000 કરોડનું કૌભાંડ આચાર્યું હતું. ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલે જણાવ્યું હતું કે BZના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલા કોઈપણ પ્રકારના લાયસન્સ ધરાવતા નથી. ભુપેન્દ્રસિંહ ઝાલા પાસે માત્ર નાણાધીરનારનું જ એક માત્ર લાયસન્સ છે .આ લાયસન્સ પણ માત્ર સાબરકાંઠાના તલોદ પૂરતું જ સીમિત છે.
100 રોકાણકારોના નિવેદન લેવાયા
CID ક્રાઇમે પ્રેસ કોન્ફરસન્સમાં જણાવ્યું હતું કે, આરોપી દ્વારા પોન્ઝી સ્કીમ હેઠળ કુલ 11 હજાર લોકો પાસેથી રોકાણ કરાવવામાં આવ્યું છે. હાલમાં આ મામલે 100 રોકાણકારોના નિવેદન પણ લેવામાં આવ્યા છે. આરોપીએ 100 કરોડની મિલકત વસાવી છે, અત્યારે તેના સગા સંબંધીઓની મિલકતની પણ તપાસ કરવામાં આવી છે.