વડોદરાઃ હજી ઉત્તરાયણ આવી નથી અને પતંગની દોરી વાગવાના અને પતંગના કારણે મોતના કિસ્સાઓ બનવા લાગ્યા છે. આવો જ એક કિસ્સો વડોદરા શહેરમાંથી પ્રકારમાં આવ્યો છે. અહીં નવ વર્ષના બાળક પતંગ પકડવા જતાં તળાવમાં ડૂબી જવાથી મોત થયું હતું. ફાયર વિભાગની ટીમે 18 કલાકની જહેમતબાદ મૃતદેહને તળાવમાંથી શોધી કાઢ્યો હતો. ગોરવા પોલીસે બાળકના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે.
મળતી માહિતી પ્રમાણે પ્રહલાદભાઈ સુભાનપુરા વિસ્તારમાં આવેલ ઇલોરા પાર્ક પાસે ફ્રુટનો ધંધો કરે છે. તેમનો 9 વર્ષનો દીકરો રોનક ગઈકાલે સાંજે 5.30 વાગે પતંગની લાલચમાં સુભાનપુરા વિસ્તારમાં ફ્રૂટની લારી પરથી નીકળી ગયો હતો અને દોડતો દોડતો સુભાનપુરા પાસે આવેલા તળાવ પાસે પહોંચી ગયો હતો. પતંગની લૂંટવાની લાલચમાં પાણીમાં ડૂબ્યો હતો. બીજી તરફ આ ઘટનાથી પરિવાર અજાણ હતો, જેથી અમે લોકોએ તેને આસપાસના વિસ્તારમાં ખૂબ શોધ્યો હતો. આખો ગોરવા વિસ્તાર ખૂંદી વળ્યા હતાં.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સગા-સંબંધીઓને ત્યાં અને બગીચાઓમાં અમે શોધખોળ કરી હતી. અમે 10 કિલોમીટર વિસ્તારમાં તેને શોધવા છતાં તે મળ્યો નહોતો, જેથી અમે છેવટે ગોરવા પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ કરી હતી. આ દરમિયાન અમને સુભાનપુરા તળાવ પાસે બાળકનું એક ચપ્પલ મળ્યું હતું, જેના આધારે તેની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી, જેથી ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. રાત્રે 12:30 વાગ્યા સુધી ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ કરી હતી. જોકે, બાળકનો કોઈ પત્તો લાગ્યો નહોંતો.
તેઓએ ઉમેર્યું હતું કે, અમે આખી રાત જાગ્યા હતા અને બાળકની શોધખોળ કરી હતી. ત્યારબાદ આજે સવારે 7 વાગ્યે ફરીથી બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન આજે સવારે 11.30 વાગ્યે કાદવમાં ફસાયેલા બાળકોનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકના લાલ કલરના ચંપલ પરથી મને ખબર પડી હતી કે, મૃતદેહ તળાવમાં જ છે. આ ચપ્પલ બાળકની માતા અને પિતાને બતાવ્યા હતા, જેથી તેમને બાળકના ચપ્પલ ઓળખી બતાવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે 18 કલાકની મહેનત બાદ બાળકના મૃતદેહને શોધી કાઢ્યો હતો.