સમગ્ર દેશને હચમચાવી મૂકનાર અતુલ સુભાષ આપઘાત કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે અતુલ સુભાષની પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ નિશા સિંઘાનિયા અને સાળાની ધરપકડ કરી લીધી છે. આરોપી પત્ની નિકિતા સિંઘાનિયાની પોલીસે ગુરુગ્રામથી ધરપકડ કરી છે. આ ઉપરાંત અતુલની સાસુ અને સાળાની પ્રયાગરાજમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
આ કેસમાં નિકિતા સિંઘાનિયા આરોપી નંબર 1 છે
પોલીસે જણાવ્યું કે, આ કેસમાં નિકિતાના સંબંધી સુશીલ સિંઘાનિયાની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે અને તેની પણ ધરપકડ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કેસમાં નિકિતાને આરોપી નંબર 1, માતા નિશાને આરોપી નંબર 2 અને ભાઈ અનુરાગને આરોપી નંબર 3 બનાવવામાં આવ્યો છે. નિકિતાના પરિવારના સભ્યોએ પહેલા પોલીસને કહ્યું હતું કે, અમે તપાસમાં સહયોગ કરીશું, પરંતુ જ્યારે બેંગલુરુ પોલીસ જૌનપુર પહોંચી ત્યારે તેમણે કહ્યું કે, અમે ટૂંક સમયમાં વકીલ સાથે મળીશું અને પછી તેઓ ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસ પરિવારના સભ્યોનું લોકેશન ટ્રેસ કરી રહી હતી.
અતુલ સુભાષ આપઘાત કેસ
બેંગલુરુમાં એન્જિનિયર અતુલ સુભાષના આપઘાતની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યો છે. અતુલ સુભાષે 24 પાનાની પોતાની સુસાઈડ નોટમાં પત્ની અને સાસરીયાઓની સાથે-સાથે જૌનપુરની ફેમિલી કોર્ટના જજ પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે પોતાની પત્ની અને પુત્રને લઈને એક ભવિષ્યવાણી પણ કરી છે. આ ઉપરાંત અતુલે સુસાઈડ નોટમાં કેસની ટ્રાયલ અને પુત્રની કસ્ટડી સહિત પોતાની 12 અંતિમ ઈચ્છાઓ જણાવી છે.
અતુલે લગાવ્યા આ આરોપ
અતુલ સુભાષે આપઘાત કરતા પહેલાં બનાવેલા વીડિયોમાં જણાવ્યું કે, મારા મોત માટે મારી પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ નિશા સિંઘાનિયા, સાળો અનુરાગ અને કાકાજી સસરા સુશીલ સિંઘાનિયા જવાબદાર છે. પૈસા પડાવવા માટે મારી પત્ની અને સાસરીવાળાઓએ કાવતરૂ ઘડ્યું હતું. તેના પરિવારે મને જૂઠા કેસમાં ફસાવી દીધો અને મારી અને મારા પરિવારની જિંદગી બર્બાદ કરી નાખી.