અમદાવાદ: દેશમાં અત્યારે આંબેડકર વિવાદ ખુબ ચર્ચાસ્પદ છે. સંસદમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા આપવામાં આવેલા નિવેદનનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. આ મામલો દિવસેને-દિવસે રાજકારણ ગરમાઈ રહ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં આપેલા એક નિવેદન બાદ આ સમગ્ર મામલે વિવાદ વકર્યો હતો. જે બાદ ડો.બાબા સાહેબ આંબેડકરના માનમાં કોંગ્રેસે ભાજપનો વિરોધ કરતા સંસદ ગજાવ્યું હતું. અને ભાજપ કોંગ્રેસ આમને-સામને આવી ગઈ હતી .ત્યારે હવે તેમના આ નિવેદનના વિરોધ વચ્ચે અમદાવાદમાં કેટલાક અસામાજિક તત્વોએ અમદાવાદના ખોખરા વિસ્તારમાં આંબેડકરની મૂર્તિને ખંડિત કરી નાખી છે. ખોખરા વિસ્તારમાં જયંતિ વકીલની ચાલીની બહાર અસામાજિક તત્વોએ ડો. બાબાસાહેબ આંબેડરની પ્રતિમાના નાકને તોડી નાખ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક રહીશોએ પોલીસને ઘટનાની જાણ કરતા ખોખરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
રસ્તા ઉપર જ ધરણા પર બેસી ગયા
બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરી અપમાન કરતાં સ્થાનિક લોકોની લાગણીને ઠેસ પહોંચી છે. રોષે ભરાયેલા ચાલીના રહીશો રસ્તા ઉપર જ ધરણા પર બેસી ગયા હતા. મોટી સંખ્યામાં લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં એક તરફનો રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. અમરાઈવાડીના કોંગ્રેસના કોર્પોરેટરે પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આવા અસામાજિક તત્વોની તાત્કાલિક ધરપકડ કરી તેમનો વરઘોડો કાઢવાની માગ કરી હતી.
જીગ્નેશ મેવાણીએ રોષ ઠાલવ્યો
કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આ મામલે ટ્વીટ દ્વારા રોષ ઠાલવ્યો છે. તેમાં ટ્વીટ કર્યું કે, અમિત શાહે બાબા સાહેબ આંબેડકરના અપમાન માટે હજુ સુધી માફી નથી અને સમાચાર આવી રહ્યા છે કે અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબા સાહેબની પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. જ્ઞાતિવાદી તત્વોએ મળીને બાબા સાહેબની પ્રતિમાને તોડવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે દેશના ગૃહમંત્રીને બાબા સાહેબ માટે કોઈ માન નથી, તો તેમના જેવી મનુવાદી વિચારસરણીમાં માનતા જ્ઞાતિવાદી ગુંડાઓ પણ આવી જ હરકત કરશે ને. અમે માગ કરીએ છીએ કે માત્ર FIR જ નહી પરંતુ 24 કલાકની અંદર આ તત્વોની ધરપકડ પણ થવી જોઈએ.
અમદાવાદ બંધની ચીમકી
ગુજરાત કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગના ચેરમેન હિતેન્દ્ર પીઠડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, અમદાવાદના ખોખરા ખાતે રવિવારે અસામાજિક તત્ત્વો દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાના નાક અને ચશ્મા તોડી નાખવામાં આવ્યા છે. આ ઘટનાને હું કડક શબ્દોમાં વખોડુ છું. ભાજપના વરિષ્ઠ નેતાઓ જ્યારે બાબાસાહેબ આંબેડકર વિશે અપમાનજનક શબ્દો બોલતા હોય અને ભાજપ શાસિત શહેરમાં બાબાસાહેબની પ્રતિમા ખંડિત કરવામાં આવે છે? શું આ શહેર અને રાજ્યની શાંતિ ડહોળવાનો એક પ્રયાસ છે? જો 24 કલાકમાં આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં અમદાવાદ બંધ કરવામાં આવશે.