અટકળોનો અંત: 500થી વધુના મૂલ્યની ચલણી નોટ શરૂ કરવાની સરકારની કોઈ યોજના નથી

નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી 500 રૂપિયાથી વધુ મૂલ્ય ધરાવતી ચલણી નોટો ફરીથી શરૂ થવાની ચર્ચાએ વેગ પકડ્યો હતો. ત્યારે હવે કેન્દ્રીય નાણા મંત્રાલયે પોતાના જવાબ સાથે આવી તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. મંત્રાલયે સ્પષ્ટ કરી દીધું છે કે, સરકારની 500 રૂપિયાથી વધુ મૂલ્યની ચલણી નોટો ફરીથી શરૂ કરવાની કોઈ યોજના નથી. તમને જણાવી દઈએ કે નાણા મંત્રાલયે આ નિવેદન રાજ્યસભામાં નવી નોટો લોન્ચ કરવા અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં આપ્યું હતું.

સરકારની આવી કોઈ યોજના નથી

રાજ્યસભામાં સાંસદ ઘનશ્યામ તિવારીએ સવાલ કર્યો હતો કે, શું સરકાર 500 રૂપિયાથી વધુ મૂલ્યની નોટ છાપવાની યોજના બનાવી રહી છે. આ સવાલના જવાબમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે, ‘ના’. તેમના આ ટૂંકા જવાબથી સ્પષ્ટ થઈ ગયું છે કે હાલમાં સરકારની આવી કોઈ યોજના નથી. કેન્દ્રીય નાણા મંત્રાલયના આ ખુલાસાથી 500 રૂપિયાથી વધુ મૂલ્યની નોટો ફરી શરૂ કરવા સંબંધિત તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધો છે.

2000ની નોટોનું સર્ક્યુલેશન

સાંસદ ઘનશ્યામ તિવારીએ નાણા મંત્રાલયને રૂ. 2000ની નોટોનું સર્ક્યુલેશન અને વધુ મૂલ્યની નોટોના પ્રિન્ટિંગને લઈને પણ અનેક સવાલો કર્યા હતા. આ ઉપરાંત તેમણે એ પણ માહિતી માંગી હતી કે, 2000 રૂપિયાની કેટલી નોટો રજૂ કરવામાં આવી હતી અને વિડ્રોલ વખતે કેટલી નોટો સર્ક્યુલેશન હતી? આ ઉપરાંત સર્ક્યુલેશનમાં હજુ કેટલી નોટો બાકી છે તે પણ પૂછવામાં આવ્યું હતું.

સાંસદ ઘનશ્યામ તિવારીના સવાલોના જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે, નવેમ્બર 2016માં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એક્ટ, 1934ની કલમ 24(1) હેઠળ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ રૂ. 2000ની નોટો રજૂ કરી હતી. તેમણે કહ્યું કે, 31 માર્ચ, 2017 સુધી 2000 રૂપિયાના કુલ 32,850 લાખ પીસ સર્ક્યુલેશનમાં હતા, જેની સંખ્યા 31 માર્ચ 2018 સુધીમાં થોડી વધીને 33,632 લાખ થઈ ગઈ છે.

તેમણે કહ્યું કે, જ્યારે 19 મે 2023ના રોજ 2000 રૂપિયાની ચલણી નોટ પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે 2000 રૂપિયાની કુલ 17,793 લાખ નોટો ચલણમાં હતી. નાણા રાજ્ય મંત્રીએ કહ્યું કે તેમાંથી 15 નવેમ્બર 2024 સુધીમાં 17,477 નોટ આરબીઆઈને પરત કરવામાં આવી હતી અને હાલ 346 લાખ નોટ ચલણમાં છે.

સરકારે રૂ. 2000ની નોટ બદલવા અને જમા કરવા માટે નિયમ બનાવ્યો છે. જેમાં રૂ.2000ની નોટ આરબીઆની 19 ઈશ્યૂ ઓફિસમાં જઈ જમા કરાવી શકે છે. આ કાર્યાલયોમાં નોટ જમા કરાવવા ઈન્ડિયા પોસ્ટ સર્વિસનો ઉપયોગ પણ કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!