ખાનપુર: મહિસાગરમાં હડકાયા શ્વાને આતંક મચાવ્યો છે. મહિસાગરના ખાનપુરમાં હડકાયા શ્વાને એક જ દિવસમાં 6 લોકો અને બે પશુઓને બચકા ભર્યા છે. શ્વાને બાળકો, મહિલા અને પશુને બચકા ભરતા ગામમાં ભયનો માહોલ છે. લોકો ડરના માર્યા ઘરની બહાર પણ નથી નીકળી રહ્યા. બીજી તરફ ભોગ બનનારા લોકોએ પ્રથમિક સારવાર લીધી છે. પરંતુ સ્થાનિકોનો આરોપ છે કે આ હડકાયા શ્વાન ઘરની અંદર ઘૂસીને ભરી દે છે.
મહીસાગરના ખાનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અલગ-અલગ જગ્યા પર હડકાયા શ્વાને એક જ દિવસમાં 6 લોકો અને 2 પશુને બચકા ભર્યાં હોવાની વાત સામે આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં હડકાયા કૂતરાએ બાળકો, મહિલાઓ અને પશુને નિશાન બનાવ્યા છે. પ્રાથમિક શાળાના બાળકો અને ઘરકામ કરતી મહિલાઓને બચકા ભરતા ચકચાર મચી ગઈ છે.
ગામના સરપંચને રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ
આ અંગે ગ્રામજનોએ આરોપ લગાવ્યો કે, ગામના સરપંચને પણ રજૂઆત કરી છે તેમ છતાં આ સમસયાનો કોઈ ઉકેલ નથી આવ્યો. દિવસેને દિવસે આ હડકાયા શ્વાનનો આતંક વધી રહ્યો છે. ઘરની બહાર નીકળતા જ પાછળથી આવીને હુમલો કરી દે છે અને બાળકો રમતા હોય ત્યારે તેને બચકા ભરી દે છે. આ સમસ્યાનું નિરાકરણ આવે તે જરૂરી છે. ગ્રામજનોએ જણાવ્યું કે, કામ માટે ઘરની બહાર નીકળવાનો પણ હવે ડર લાગી રહ્યો છે.
શ્વાનના આતંકથી લોકોમાં ભયનો માહોલ
જો આ હડકાયું શ્વાન કાબુમાં ન આવે તો અન્ય પશુ દ્વારા હડકવાની બીમારી વધવાનો ભય છે. હાલ, સમગ્ર વિસ્તારમાં શ્વાનના આતંકથી લોકોમાં ભયનો માહોલ છે.