ધર્મશાળા: હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં શનિવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં ગુજરાતી યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અમદાવાદની ખુશી ભાવસરનું પેરાગ્લાઈડિંગ કરતી વખતે પડી જવાથી મૃત્યુ થયું હતું. આ ઘટના ધર્મશાળા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઇન્દ્રુ નાગ પેરાગ્લાઈડિંગ સાઇટ પર બની હતી. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ટુરિસ્ટ યુવતી ગુજરાતના અમદાવાદની હતી. ટેક ઓફ પોઈન્ટ પરથી ટુરિસ્ટ યુવતી અને પેરાગ્લાઈડિંગ પાઈલટ બંને નીચે ખીણમાં પડી ગયા હતા. આ દુર્ઘટનામાં પાઈલટ ઘાયલ થયો છે અને તે સારવાર હેઠળ છે. આ યુવતી પોતાના પરિવાર સાથે ધર્મશાળા ફરવા ગઈ હતી.
પાઈલટ સુરક્ષિત છે
ઘટના અંગે માહિતી આપતાં એડિશનલ એસપી બીર બહાદુરે જણાવ્યું કે, આજે ધર્મશાળા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઇન્દ્રુ નાગ પેરાગ્લાઈડિંગ સ્થળ પર એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. ગુજરાતની એક યુવતી પેરાગ્લાઈડિંગ કરતી વખતે પડી ગઈ હતી, તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પરંતુ રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. પેરાગ્લાઈડિંગ પાઈલટ ઘાયલ થયો છે અને સારવાર ચાલી રહી છે. યુવતીના મૃતદેહને ઝોનલ હોસ્પિટલ ધર્મશાળા લાવવામાં આવ્યો છે જ્યાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ત્યારબાદ રવિવારે મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. પાઈલટ સુરક્ષિત છે. પોલીસ ઘટના સ્થળે જઈને દુર્ઘટનાના કારણની તપાસ કરી રહી છે. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.’
યુવતી અમદાવાદના નારણપુરાની રેહવાસી
મૃતક યુવતીની ઓળખ ખુશી ભાવસાર તરીકે થઈ છે. જેની ઉંમર 19 વર્ષ હોવાની માહિતી મળી રહી છે. આ યુવતી સહજાનંદ એવન્યુ, ટોરેન્ટ પાવર લિમિટેડ, નારણપુરા અમદાવાદની રહેવાસી હતી. બીજી તરફ દુર્ઘટનામાં પેરાગ્લાઈડિંગ પાઈલટ મુનીશ કુમાર (29 વર્ષ) દુર્ઘટનામાં ઘાયલ થયો છે. પાઈલટ ધર્મશાળાનો રહેવાસી છે. પાઈલટને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ મેડિકલ કોલેજ ટાંડામાં શિફ્ટ કરવામાં આવ્યો છે. આ કેસ ધર્મશાળા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.